વાંકાનેરમાં સરકારી શાળાઓના શિક્ષકો માટે એક દિવસીય તાલીમ યોજાઈ

- text


વાંકાનેર : જિલ્લા બાળ સુરક્ષા એકમ મોરબી દ્વારા આજ રોજ વાંકાનેર તાલુકાના બી.આર.સી. ભવન ખાતે તાલુકાના પ્રાથમિક શાળાના આચાર્યો તથા શિક્ષકો માટે એક દિવસીય તાલીમ યોજાઈ હતી. આ તાલીમ આયોજિત કરવાનો મુખ્ય હેતુ સંકલિત બાળ સુરક્ષા યોજનાના બહોળા પ્રચાર-પ્રસાર કરવાનો તેમજ ગામના છેવાડાના વ્યક્તિ સુધી સરકાર દ્વારા બહાર પાડવામાં આવતી બાળકો અને દિવ્યાંગોને લગતી યોજનાનો લાભ મળે તે માટે જાણકારી આપવાનો હતો. તાલીમ દરમિયાન શિક્ષકો તથા આચાર્યોને સંકલિત બાળ સુરક્ષા યોજના, જે. જે. એક્ટ, પોક્સો, દત્તક વિધાન, પાલક માતા-પિતા યોજના, સ્પોન્સરશિપ યોજના, આફટર કેર યોજના, ફોસ્ટર કેર યોજના, બાળમજૂરી, સમાજ સુરક્ષા વિભાગની યોજના તથા બાળકોના કાયદાઓ તેમજ બાળ સુરક્ષા સમિતિના કાર્યો અને રૂપરેખા વિષે માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ડો. વિપુલભાઈ શેરસીયા તથા સમીરભાઈ લધડ અને અરવિંદભાઈ ચાવડા ઉપસ્થિત રહી યોજના અંગેની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમમાં અંદાજે 160 જેટલા પ્રાથમિક શાળાના આચાર્યો તથા શિક્ષકો હાજર રહ્યા હતા.

- text