શાળામાં અભ્યાસની સાથે હવે ટ્રાફિક શિક્ષણ પણ જરૂરી : મોરબીની નવયુગ શાળાનો નવતર પ્રયોગ

મોરબીની નવયુગ શાળામાં વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમોની સરળ અને સચોટ સમજણ અપાઈ

મોરબી : કેન્દ્ર સરકાર દ્વારા ટ્રાફિકનો કાયદો કડક કરવામાં આવ્યો છે તેમજ તંત્ર દ્વારા કાયદાનું ઉલ્લંઘન કરનાર પાસેથી આકરો દંડ વસુલવાનું શરૂ કરવામાં આવ્યું છે ત્યારે શહેરમાં આ કાયદાના જડ નિયમો ચર્ચાનો વિષય બન્યા છે. જો કે સરળ રીતે કાયદાનું પાલન થાય તે માટે નાગરિકોમાં ટ્રાફિક નિયમો વિશે પ્રાથમિક જાણકારીની સાથે જાગૃકતા હોવી પણ જરૂરી છે. ત્યારે બાલ્યા અવસ્થાથી જ આ અંગે જાગૃતિ કેળવાય એ માટે મોરબીની એક શાળા દ્વારા આ દિશામાં પથદર્શક પ્રયાસ કરવામાં આવ્યો હતો.જે રીતે દરેક ખાનગી-સરકારી પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓના ભાવીને ધ્યાને લઈને અભ્યાસક્રમ નક્કી કરવામાં આવે છે, જેમાં પીટી, ચિત્રકલા, સંગીત, ઇજનેરી- વ્યાપારી કૌશલ્ય, સાહસના ગુણ વિકસે તેવા અભ્યાસક્રમો માન્ય કરવામાં આવે છે તે જ રીતે સાંપ્રત સમયની માંગ અનુસાર ટ્રાફિકના નિયમોનું જ્ઞાન આપી ટ્રાફિક એવરનેશ માટેનો અભ્યાસક્રમ રાખવો જરૂરી બની ગયો છે. જેથી બાલ્યાવસ્થાથી જ એ અંગે સભાનતા આવે. એ બાળક જ્યારે પુખ્ત થઈ વાહન ચલાવતો થાય ત્યારે તેનામાં ટ્રાફિક વિશે સંપૂર્ણ સમજણ વિકસી ચુકી હોય. જેથી ભવિષ્યમાં એ શહેર-રાષ્ટ્રની ગંભીર બની રહેલી ટ્રાફિકની સમસ્યાના નિરાકરણમાં પોતાનું અમૂલ્ય યોગદાન પ્રદાન કરી શકે.

આ દિશામાં આગોતરો વિચાર કરી મોરબીની નવયુગ સંકુલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે શાળા સંચાલકોએ એક વિશિષ્ટ પ્રયોગનું આયોજન સફળતા પૂર્વક કર્યું હતું. જે આગામી દિવસોમાં ચાલુ રહેશે.

આયોજિત થયેલા આ પ્રાયોગિક કાર્યક્રમમાં હાલમાં કડક બનાવવામાં આવેલા ટ્રાફિકના કાયદા બાબતે તેમજ RC, DL, PUC અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. આ માટે શાળા દ્વારા શિક્ષક પૈજા તુષારભાઈનો ખાસ પિરિયડ ગોઠવવામાં આવ્યો હતો. આવી જ રીતે જો દરેક શાળા દ્વારા ભાવિ નાગરિકો એવા બાળકોને ટ્રાફિક નિયમો અંગે સમજણ આપવામાં આવે તો છાત્રોને માહિતી ભવિષ્યમાં ચોક્કસ ઉપયોગી બને.