વાહન ચાલકો માટે રાહતના સમાચાર : ટ્રાફિકના નવા નિયમો 15 ઓક્ટોબર સુધી મુલતવી

- text


જો કે ત્યાર બાદ લાગુ થનારી કડક અમલવારી દરમ્યાન હેલ્મેટ, પીયૂસી સહિતના કોઈ બહાના નહિ ચાલે

મોરબી : ચારો તરફથી ઉઠી રહેલા વિરોધના વંટોળને કારણે ટ્રાફિક નિયમનના કડક પાલન સામે સરકાર આખરે ઝૂકી છે અને આંશિક રાહત આપતા 15 ઓક્ટોબર સુધી ટ્રાફિક ભંગ બદલ કરવામાં આવી રહેલી ભારે દંડનાત્મક કામગીરી રોકવાની જાહેરાત કરી છે. ટ્રાફિક નિયમનના જાણ્યે-અજાણ્યે ભંગ બદલ વાહન ચાલકોને ફટકારવામાં આવતા ચામડાતોડ દંડ બદલ ઠેર ઠેરથી વિરોધનો વંટોળ ઉઠ્યો હતો. સરકાર પર પણ ચોમેરથી દબાણ આવ્યું હતું. વળી ભાજપની જ સત્તા વાળા અમુક રાજ્યો કે જ્યાં આવનારા મહિનાઓમાં ચૂંટણી આવી રહી છે ત્યાંની ભાજપની રાજ્ય સરકારોએ પણ આ નિયમો લાગુ કરવા માટે સ્પષ્ટ નનૈયો ભણી દીધો હતો. ત્યારે સરકારને પોતાના આ નિર્ણયમાં આંશિક પીછેહઠ કરવાની ફરજ પડી છે. વિરોધી લોકજુવાળ સર્જાવા પાછળનું મુખ્ય કારણ હેલ્મેટની અછત, વધુ લેવાતા ભાવ, તકલાદી હેલ્મેટ ખરીદવાની મજબૂરી તેમજ પીયૂસી સંચાલકોની બેફામ લૂંટગીરી અને ઓછા પીયૂસી સેન્ટરોમાં લાગતી લાંબી કતારો છે

- text

આથી સરકારના પગ નીચે રેલો આવતા 15 ઓક્ટોબર સુધી આ નિયમોની કડક અમલવારીમાંથી હાલ પૂરતી મુક્તિ આપવાની જાહેરાત કરાતા લોકોને હાશકારો થયો છે. જો કે ત્યાર બાદ સરકાર ફરી પાછો આ કાયદાનો સખ્ત અમલ કરાવવા માટે કટિબદ્ધ છે તેવું હાલ જાણવા મળી રહ્યું છે. અલબત્ત ત્યાં સુધીમાં પણ સ્થિતિ સાનુકૂળ ન બને તો કાયદાની સખ્ત અમલવારી બાબત સરકાર કેવો નિર્ણય લ્યે છે તે 15 ઓક્ટોબર બાદ જ ખબર પડશે.

- text