મોરબીની લેબોરેટીએ દર્દીના રિપોર્ટમાં કરી ગંભીર ભૂલ : આરોગ્ય વિભાગને ફરિયાદ

ખોટો રિપોર્ટ આપ્યા બાદ અન્ય લેબોરેટીમાં બે વખત રિપોર્ટ કરાવતા ભાંડો ફૂટયો : કડક પગલા લેવાની માંગ

મોરબી : મોરબીની એક લેબોરેટી દ્વારા દર્દીના રિપોર્ટમાં ગંભીર ભૂલ કરવામાં આવી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ લેબોરેટીમાંથી પ્રોલાકટિનનો ખોટો રિપોર્ટ આપવામાં આવ્યો હતો. જો કે બાદમાં રાજકોટ અન્ય લેબોરેટીમાં બે વખત રિપોર્ટ કરાવતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. બાદમાં દર્દીના પરિવારજનોએ આ લેબોરેટી સામે કડક પગલા ભરવાની માંગ સાથે જિલ્લા આરોગ્ય આધિકારીને રજુઆત કરી હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના એક દર્દીએ ગત તા. 6ના રોજ સાવસર પ્લોટમાં આવેલ મધુરમ પેથોલોજી લેબોરેટી (ડો.લલિત ચારોલા)માં પ્રોલાકટિનનો રિપોર્ટ કરાવ્યો હતો. જેમાં લેબોરેટીના સ્ટાફ દ્વારા રૂ. 630નો ચાર્જ લઈને બ્લડનો નમૂનો લીધો હતો. બાદમા સ્ટાફે કહ્યું હતું કે અમારું મશીન ખરાબ થઈ ગયું હોય મશીન ચાલુ થઈ ગયા બાદ રિપોર્ટ થઈ જશે એટલે જાણ કરી દેવામાં આવશે. તા. 7ના રોજ રિપોર્ટ થઈ જતા તેમાં પ્રોલાકટિન- 369 બતાવવામાં આવ્યું હતું. જે સામાન્ય રીતે 5 થી 26ની વચ્ચે હોવું જોઈએ.

મોરબીની મધુરમ લેબોરેટરીનો ભૂલ વાળો રિપોર્ટ

બાદમાં દર્દી આ રિપોર્ટ સાથે તેમના રાજકોટના કન્સલ્ટિંગ ડોકટર પાસે ગયા હતા. જ્યા આ રિપોર્ટમાં પ્રોલાકટિન- 369 ઊંચું જોઈને કન્સલ્ટિંગ ડોક્ટરના કહેવાથી રાજકોટના એમડી ડોક્ટરને બતાવતા ડોક્ટરે આ રિપોર્ટના આધારે મગજમાં ગાંઠ હોવાની શક્યતાએ એમઆરઆઈ કરાવવાનું કહ્યું હતું. જેથી દર્દીનો પરિવાર ચિંતામાં આવી ગયો હતો.

જોકે ફરીથી દર્દીના પરિવારે મોરબીના મધુરમ પેથોલોજી લેબોરેટીના આ રિપોર્ટની ચકાસણી કરાવવા માટે તા. 16ના રોજ રાજકોટ ખાતે ડો. ભટ્ટ પેથોલોજી લેબોરેટીમાં રિપોર્ટ કરાવ્યો હતો. જ્યાં આ રિપોર્ટમાં પ્રોલાકટિન માત્ર 6.93 આવ્યું હતું. જેની ચોક્કસ ખરાઈ કરવા એ જ લેબોરેટરીમાં ફરીથી બીજો રિપોર્ટ કરાવ્યો હતો પરંતુ બન્ને રિપોર્ટ સરખા આવતા માલુમ પડ્યું કે મોરબીની મધુરમ પેથોલોજી લેબોરેટી દ્વારા ખોટો રિપોર્ટ થયો છે. અને આ ખોટા રિપોર્ટના લીધે સમગ્ર પરિવાર ચિંતામાં મુકાયો હતો.

રાજકોટની લેબોરેટરીનો સાચો રિપોર્ટ

જયારે મોરબીની મધુરમ પેથોલોજી લેબોરેટી દ્વારા મેડિકલ રિપોર્ટમાં કરાયેલો ગંભીર છબરડો સામે આવતા આ લેબોરેટરીની સામે દર્દીના પરિવારજનોએ મોરબી જિલ્લા આરોગ્ય અધિકારી અને જિલ્લા કલેક્ટરને લેખિતમાં ફરિયાદ આપી મધુરમ પેથોલોજી લેબોરેટીના જવાબદાર ડોક્ટર સામે જરૂરી કાયદેસરની કાર્યવાહી કરી અન્ય કોઈ લોકો આવી બેદરકારીનો ભોગ ના બને અને અન્ય કોઈની જિંદગી જોખમમાં ન મુકાય અને બીન જરૂરી આર્થિક અને શારીરિક નુકશાન ન વેઠવું પડે તે માટે માત્ર આર્થિક ઉપાર્જનના જ ઇરાદે ચાલતી આવી લેબોરેટીના સંચાલકો કડક પગલા લેવાની માંગ ઉઠાવી છે.