મોરબી : સામાકાંઠે પોટરી શાળા પાસે જ ભયંકર કાદવ કીચડ

શાળા પાસે ગટરની બેસુમાર ગંદકી ઉભરાતા બાળકોના આરોગ્ય પર જોખમ

મોરબી : મોરબીના સામાકાંઠે સોઓરડી વિસ્તારના નાકા પાસે આવેલ પરશુરામ પોટરી શાળા પાસે જ ભયકર ગંદકીને કારણે સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.જોકે શાળા પાસે જ ગટરની બેસુમાર ગંદકી ઓવરફ્લો થતી હોવાથી બાળકોના આરોગ્ય પર ગંભીર અસર વર્તાઈ રહી છે.અહીંયા ગટરના ગંદા પાણી ભરાયેલા હોવાથી વાહન તો ઠીક ચાલવા જેવી પણ જગ્યા ન રહેતા સ્થાનિક લોકોને ભારે હાડમારી વેઠવી પડે છે.

મોરબીના સામાકાંઠે શોભેશ્વર રોડ ઉપર સોઓરડી વિસ્તારના નાકા પાસે આવેલ વર્ષો જૂની પરશુરામ પોટરી શાળાની હાલત તો સુધરી ગઈ છે અને આ શાળા ડેવલપ થઈ છે.પણ શાળા પાસે ઘણા સમયથી ગટરની ઉભરાતી ગંદકી તંત્રના પાપે યથાવત જ રહી છે.એનું મૂળ કારણ એ છે કે, તંત્ર આ વિસ્તારમાં ભૂગર્ભ ગટરની સફાઈ કરવાની કયારેય તસ્દી.લેતું નથી.જેથી ભૂગર્ભ ગટર ચોકઅપ થઈ જવાથી પોટરી શાળા પાસેના મેઈન રોડ ઉપર જ ઉભરાતી રહે છે અને આખા રોડ પર ગટરના ગંદા પાણી ભરાયેલા છે.જોકે હમણાં વરસાદ હતો.ત્યારે બેવડી મુશ્કેલી હતી.હવે વરસાદના વિરામના ઘણા દિવસો થયા છતાં ગટરની ગંદકી સતત ઉભરાતી રહી છે.

ગટરના ગંદા પાણી આ નિશાળ પાસેના મુખ્ય અવરજવર માટેના રોડ પર ભરાઈ રહેતા ભયંકર કાદવ કીચડ થયો છે.તેથી વાહન નીકળવામાં તો કઠણાઇ નો સામનો કરવો પડે છે.પણ ચાલવા જેવી જગ્યા ન રહેતા બાળકોને નિશાળે મુકવા-તેડવા જતા વાલીઓને ભારે મુશ્કેલીનો કરવો પડે છે.ગટરની ગંદકીને કારણે શાળા બાળકો અને સ્થાનિક લોકોના આરોગ્ય પર ગંભીર ખતરો તોળાઈ રહ્યો છે.આ વિસ્તારના જાગૃત નાગરિકો ભારે આક્રોશ સાથે કહે છે કે, અહીંયા ગંદકીની આજકાલની સમસ્યા નથી અગાઉ ભુર્ગભ ગટર ન હતી.ત્યારે પણ ગટરની ગંદકી બેસુમાર હતી અને હવે ભૂગર્ભ ગટર આવ્યા પછી પણ આ સમસ્યામાંથી મુક્તિ મળી નથી.જો તંત્ર સમયાંતરે ભૂગર્ભ ગટરની સફાઈ કરે તો જ આ સમસ્યાનું કાયમી નિરાકરણ આવી શકે તેમ છે.પણ આવી નિષ્ઠા તંત્ર ક્યારે દેખાડશે ?