મોરબીના બિસ્માર રસ્તાઓનું તાકીદે પેચવર્ક કરવા ધારાસભ્ય મેરજાની ગાંધીનગરમાં રજુઆત

શહેરી વિકાસના અધિક મુખ્ય સચિવને મોરબીની રસ્તા અને ગટરની સ્થિતીથી વાકેફ કરી તાકિદે ચીફ ઓફીસર નીમીને ફિલ્ડ ડેમેજની ખાસ ગ્રાન્ટ ફાળવવાની માંગ કરાઈ

મોરબી : મોરબીમાંથી પસાર થતા રાજ્ય સરકાર હસ્તકના માર્ગ અને મકાન વિભાગના રસ્તાઓ જેવા કે માધપરથી વાવડી રોડ, ઉમિયા સર્કલથી રવાપર કેનાલ રોડ, ભકિતનગર સર્કલ થી નવા બસ સ્ટેશન, ગાંધી ચોકથી સર્કિટ હાઉસ સુધીનો રસ્તો કે જે ભારે વરસાદને કારણે ખૂબ નુકશાન પામ્યો છે. આ રસ્તા ઉપર તાત્કાલિક રી-સરફેસની કામગીરી કરવી જરૂરી છે તેવી માંગ સાથે મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ સચિવાલય, ગાંધીનગરમાં માર્ગ અને મકાન વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે પરામર્શ કરી વિના વિલંબે પેચ વર્ક કામ હાથ ધરવા રજુઆત કરી હતી.

ધારાસભ્યની સતત જહેમતને લીધે માધાપર- વાવડી રોડનું કામ મંજુર થયું છે. અને ટેન્ડર પણ બહાર પડી ગયું છે. એટલે આ વાવડી રોડ નવેસરથી કરાશે. પણ તે દરમિયાન ખાડા પૂરવાના પેચ વર્ક તુરંત જ હાથ ધરાશે. ઉપરાંત ઉમિયા સર્કલથી રવાપરનો કેનાલ રોડને પણ વિસ્તૃત કરવાનું કામ મંજુર કરાયુ છે. ત્યાં પણ પેચ વર્ક તુરંત જ થાય તેવી સૂચના સંબંધિત ઈજનેરોને આપી છે. તદ્ઉપરાંત ભક્તિનગર સર્કલથી સમયના ગેટ પાસે જે સાંકડો રસ્તો છે. તે પહોળો કરવા તેમજ ઉમિયા સર્કલ, નવા બસ સ્ટેશન, ગાંધી ચોક થઈ સામાકાંઠે જતાં આ રસ્તો જે હાલ ખૂબ બિસ્માર છે ત્યાં પેચવર્ક કરવા પણ તાકીદ કરાયેલ છે. આમ, આ શહેરી રસ્તાના સરકાર હસ્તકના કામો તાબડતોબ થાય તે માટે ધારાસભ્ય એ તકેદારી સેવી છે.

તદુપરાંત મોરબી તાલુકાના ગાળા ગામનો, માળીયા (મિ) તાલુકાના લાખીયાસર, હંજીયાસરનો, મોરબી તાલુકાના નેશનલ હાઈવે થી જુના નાગડાવાસ તેમજ ગુંગણનો રસ્તો તેમજ નવા સાદુળકા અને લક્ષમીનગરનો રસ્તો વિના વિલંબે કરવા પુનઃ ધારાસભ્યએ માર્ગ – મકાન વિભાગના અધિકારીને રૂબરૂ મળીને રજૂઆત કરી છે. શહેરી વિકાસના અધિક મુખ્ય સચિવ સાથે ખાસ મુલાકાત ગોઠવીને ભારે વરસાદને લીધે મોરબી શહેરની રસ્તા, ગટરની સ્થિતીથી વાકેફ કરી તાકિદે ચીફ ઓફીસર નીમીને મોરબી માટે ફિલ્ડ ડેમેજની ખાસ ગ્રાન્ટ ફાળવવી આ કામો તાકીદે કરાવા આગ્રહ સેવ્યો છે.

ગુજરાત પાણી પુરવઠા બોર્ડના સભ્ય સચિવને રૂબરૂ મળીને મોરબી શહેરની નવી ગટરો, માળીયા (મિ) શહેરની નવી ગટરો, તેમજ માળીયા (મિ) શહેરના પીવાના પાણી માટે ઊંચી પાણીની ટાંકીની જરૂરીયાત તેમજ મોરબી અને માળીયા (મી) માટે પાણી પુરવઠા વધારાની અલગ સબ ડીવીઝનની જુની માંગણી દોહરાવતા આ કામોનું નકકર પરિણામ તુરંત જ મળી રહેશે તેવું જણાવાયુ છે. વધુમાં માળીયા (મિ) તાલુકાના મત્સ્ય ઉદ્યોગ સાથે સંકળાયેલા ગામના માછીમારોની જે નેટ અતિવૃષ્ટિને કારણે દરિયાની ગાંડી વહેલને લીધે તણાઇ ગયેલ છે. તેને લીધે માછીમારોને નવી નેટ આપવા ફીશરીઝ કમિશ્નર સમક્ષ પણ રૂબરૂ રજૂઆત કરીને આ પ્રશ્ન પણ માછીમારોની ચિંતા સેવીને જરૂરી તજવીજ ધારાસભ્યએ સચિવાલય, ગાંધીનગર કક્ષાએ કરાવી છે. તદ્ઉપરાંત મોરબી બાયપાસ રોડ ઉપર પડેલા ખાડા પૂરવા તેમજ મચ્છુ – ૩ના બ્રિજ ઉપર આર.ટી.ઓ. કચેરી નજીકનો બિસ્માર રોડ તાત્કાલિક રિપેર કરવા પણ જણાવ્યુ છે.તેમ યાદી જણાવે છે.