પુરમાં નાશ થઈ ગયેલા હેલ્થકાર્ડ વગર માળીયા(મી.)ની જનતા આરોગ્ય સેવાથી વંચિત

માળીયા (મી.) : ભારત સરકાર તેમજ રાજ્ય સરકાર દ્વારા આરોગ્ય વિષયક સેવાઓ છેવાડાના નાગરિકો સુધી પહોંચે તે માટે વિવિધ યોજના ચલાવવાના દાવાઓ કરે છે. પણ આ સેવા મેળવવા માટે જરૂરી એવા હેલ્થકાર્ડ કઢાવવા માટેની સુચારુ વ્યવસ્થા સ્થાપી શકતી નથી. ક્યારેક આવી વ્યવસ્થામાં વ્યાપક ગેરરીતિઓ આચરાતી હોવાના બનાવો પણ સામે આવ્યા છે. ત્યારે કુદરતી આપદામાં નાશ પામેલા ડોક્યુમેન્ટ્સ પુનઃવિતરિત કરવામાં ઉદાસીનતા સેવી રહ્યા હોવાની રાવ માળીયા (મી.) વિસ્તારમાં ઉઠી રહી છે.

માળીયા (મી.) વિસ્તાર આર્થિક તેમજ શૈક્ષણિક દ્રષ્ટિએ અન્ય તાલુકાઓની સાપેક્ષ પછાત છે. સરકારી યોજનાઓ મહા મુશ્કેલીએ આ વિસ્તારમાં ઉપલબદ્ધ થાય છે. ત્યારે 2017માં ઉપરવાસમાં આવેલ વરસાદને કારણે પુરની પરિસ્થિતિ ઉદભવી હતી. જે ભયાનક પુરમાં લોકોની ઘરવખરી સાથે માં અમૃતમ કાર્ડ, વાત્સલ્ય કાર્ડ જેવા આરોગ્યલક્ષી સુવિધા પ્રદાન કરતા ડોક્યુમેન્ટ્સ પણ તણાઈ ગયા હતા અથવા પલળીને ખરાબ થઈ ગયા હતા. ત્યાર બાદ જુલાઈ-સપ્ટેમ્બર 2019માં મચ્છુ નદીના પુરમાં ઉપરોક્ત આરોગ્ય કાર્ડ સાથે નવા કઢાવેલા આયુષ્યમાન કાર્ડ પણ પલળી ગયા હતા કે તણાઈ ગયા હતા. ત્યાર બાદ આ યોજનાઓના કાર્ડ નવેસરથી બનાવવાની અને એ માટે જાહેર કેમ્પોનું આયોજન કરી સુચારુ વ્યવસ્થા કરવા સ્થાનિક કક્ષાએ લોકોએ માંગણી કરી હતી. તાલુકા આરોગ્ય અધિકારી સમક્ષ આ અંગે યોગ્ય કરવા લેખિત તેમજ મૌખિક રીતે કરેલી રજુઆત કાને ધરવામાં આવતી નથી. ત્યારે રેફરલ હોસ્પિટલ ખાતે નવા હેલ્થ કાર્ડ ઈશ્યુ કરવાની કાર્યવાહી સત્વરે હાથ ધરાય એવી માંગણી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તથા ધારાસભ્ય બ્રિજેશ મેરજા સમક્ષ માળીયા (મી.) નગરપાલિકા પ્રમુખ ઈકબાલભાઈ જેડાએ કરી છે.