સીરામીક ઉદ્યોગ ઉપર લાગતા જીએસટીને ઘટાડીને 12 ટકા કરવા મોરબી ચેમ્બરની માંગ

- text


આગામી 20મીએ યોજાનાર જીએસટી કાઉન્સીલની બેઠકમાં સીરામીક ઉદ્યોગને મંદીમાંથી ઉગારે તેવો નિર્ણય લેવા નાયબ મુખ્યમંત્રીને રજુઆત
ગેસને જીએસટી કાયદામાં સ્પેશ્યલ કેટેગરીમાં મૂકીને જીએસટી ઇનપુટ ક્રેડિટ બાદ મળે તેવી વ્યવસ્થા કરવાની પણ માંગ

મોરબી : સીરામીક ઉદ્યોગ હાલ મંદીમાં સપડાયેલો છે. ત્યારે આગામી તા. 20ના રોજ ગોવામાં જીએસટી કાઉન્સીલની મિટિંગ યોજાનાર છે. જેમાં સીરામીક ઉદ્યોગ ઉપર લાગતા જીએસટી રેટને 18 ટકાથી ઘટાડીને 12 ટકા કરી આપવામા આવે તેમજ ગેસને જીએસટી કાયદામાં સ્પેશ્યલ કેટેગરીમાં મૂકીને જીએસટી ઇનપુટ ક્રેડિટ બાદ મળે તેવી વ્યવસ્થા કરવા મોરબી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા નાયબ મુખ્યમંત્રી તેમજ જીએસટી કાઉન્સીલના સભ્ય નીતિનભાઈ પટેલને રજુઆત કરવામા આવી છે.

રજુઆતમાં જણાવાયું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું લક્ષ્ય છે કે વર્ષ 2022 સુધીમાં દેશ જ્યારે સ્વતંત્રતાના 75 વર્ષ પૂરા કરીને ઉજવણી કરતો હશે. ત્યારે પુરા ભારત દેશમાં ગરીબમાં ગરીબ માણસને પણ પોતાનું ઘર હોય. તેના અનુસંધાનમાં કેન્દ્રની ભાજપ સરકારનું 20 કરોડ ઘર બનાવાનું લક્ષ્ય છે. નવા મકાન માટે સિરામિક અને સેનેટરી વેર પ્રોડક્ટ નિર્ણાયક મુખ્ય ઇનપુટ આઇટમ્સ ગણાય છે. જીએસટી કાઉન્સીલ મીટિંગ 20 સપ્ટેમ્બરે ગોવામાં આયોજન થવા જઈ રહી છે. જેમાં સિરામિક ઉદ્યોગ ઉપર લાગતા જીએસટી રેટને 12% સુધી ઘટાડવામાં આવે અને ગેસને જીએસટી કાયદામાં સ્પેશિયલ કેટેગરીમાં મૂકીને જીએસટી ઈનપુટ ક્રેડિટ બાદ મળે એવી માગણી ધ્યાનમાં લેવામાં આવે એવી માંગ છે.

- text

મોરબી શહેર વિશ્વમાં સિરામિક મેન્યુફેક્યરિંગમાં બીજું સ્થાન ધરાવે છે. જે ચાઇનાને સીધી ટક્કર આપે છે. અને 6 લાખ લોકોને પ્રત્યક્ષ અને ૩ લાખ લોકોને અપ્રત્યક્ષ રીતે રોજગારી આપે છે. જે મેક ઇન ઇન્ડિયાનું સપનું પૂરું કરે છે. મોરબી સિરામિક ઈન્ડસ્ટ્રીઝનું ટર્નઓવર 35000 હજાર કરોડ કરતાં પણ વધારે છે અને 10 હજાર કરોડ કરતાં પણ વધુ એક્સપોર્ટ કરે છે. અને સિરામિકના ટર્નઓવરને 2025 સુધીમાં 80 હજાર કરોડ સુધી પહોંચાડવાનું લક્ષ્ય છે. અને 2025 સુધીમાં ચાઇનાને પાછળ રાખીને પહેલા સ્થાન પર આવવાના લક્ષ્ય સાથે આગળ વધી રહ્યા છીએ. જેનાથી 2024 સુધીમાં ભારતની ઇકોનોમી 2.80 ટ્રિલ્યન ડોલરથી વધારીને 5 ટ્રિલ્યન ડોલર કરવાનું લક્ષ્ય પણ સાકાર થઈ શકે છે.

હાલમાં જીએસટી એક્ટ અમલમાં આવ્યા પછી સિરામિક ઉદ્યોગ મંદીથી પીડાઈ રહ્યો છે અને તેના અસ્તિત્વની લડત લડી રહ્યો છે, અહીં 400 થી વધુ ફેક્ટરિઓ બંધ છે અને 200 થી વધુ ફેક્ટરી મંદી કારણે તેની ઉત્પાદન ક્ષમતાની નીચે કાર્યરત છે. જેના લીધે લાખો રોજગારોની નોકરી જવાનો ભય રહેલો છે .સિરામિક ઉદ્યોગમાં આર્થિક સુધારા અને બાંધકામ ક્ષેત્રે મંદીને લીધે પ્રવાહી તંગી અને એકંદર મંદીનો સામનો કરવો પડી રહ્યો છે. જીએસટી ક્રેડીટનો બિલ્ડર દ્વારા ઘણા કેસમાં દાવો કરી શકાતો નથી. જે સિરામિક ઉદ્યોગ ને અસર કરે છે. હાલમાં સિરામિક પ્રોડક્ટ પર જીએસટીનો દર 18% છે, જે અન્ય બાંધકામની વસ્તુઓની તુલનામાં ખૂબ ઊંચો છે. તેથી સિરામિક ઉદ્યોગ ઉપર લાગતો જીએસટી રેટ 12% સુધી ઘટાડવામાં આવે.

ગેસનો મુખ્યત્વે રો મટિરિયલ તરીકે સિરામિક પ્રોડક્ટમાં ઉપયોગ થાય છે અને તેના પર VAT કરપાત્ર છે અને VATની ક્રેડિટને જીએસટી કાયદા હેઠળ ઇનપુટ ક્રેડિટ તરીકે મજરે બાદ મળતી નથી. જેના લીધે સિરામિક પ્રોડક્ટની કોસ્ટ ઊંચી આવે છે .તો સિરામિકમાં ઉપયોગ થતા ગેસને જીએસટી કાયદામાં સ્પેશિયલ કેટેગરીમાં મૂકીને જીએસટી ઈનપુટ ક્રેડિટ બાદ મળે એવી માંગણી છે.

- text