મોરબીના સામાકાંઠા વિસ્તારના ખરાબ રોડને કારણે મહિલાને ગંભીર ઇજા

રામદેવનગરથી ઉમિયાનગર સુધીનો અતિ બિસ્માર રસ્તો બન્યો જોખમી

મોરબી : મોરબીના સામાકાંઠે આવેલ સોઓરડી મેઈન રોડ ઉપર રામદેવનગરથી ઉમિયાનગર સુધીના અતિ ખરાબ રસ્તાને કારણે એક મહિલાને અકસ્માતમાં ગંભીર ઇજા થઈ હતી.આ રસ્તો અતિ બિસ્માર હાલતમાં હોવાથી વાહન ચાલકો પર અકસ્માતનું જોખમ તોળાઈ રહ્યું છે.ત્યારે આ ખરાબ રોડને કારણે કોઈને ભોગ લેવાઈ તે પહેલાં જ તંત્ર રોડની મરમત કરે તેવી સ્થાનિકોએ માંગ ઉઠાવી છે.

મોરબીના સામાકાંઠે આવેલ સોઓરડી મેઈન રોડ રામદેવનગરથી ઉમિયાનગર સુધીનો રસ્તો ઘણા સમયથી અતિ બિસ્માર હાલતમાં છે.આ રોડ પર એટલી હદે મસમોટા ખાડા ટેકરા થઈ ગયા છે કે, અહીંથી પસાર થવું એટલે અકસ્માતને આમંત્રણ આપવા બરોબર છે. ત્યારે આ ખરાબ રોડને કારણે એક મહિલાને અકસ્માતમાં ગંભીર ઇજા પહોંચી હતી. તેમને તાકીદે સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જ્યાં ડોક્ટરે ફ્રેક્ચર થયાનું નિદાન કરીને ઓપરેશન કરવાનું જણાવ્યું છે. આ બનાવથી સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો છે. ખરાબ રોડ થઈ જવા છતાં તંત્ર જરાય ધ્યાન આપતું નથી અને હવે આ રોડ વધુ જોખમી બન્યો હોવાથી તંત્ર વહેલાસર રોડની યોગ્ય મરમત કરે તેવી માંગ કરી છે.