મોરબી : મચ્છુ ડેમ-2 ઉપર નમામિ દેવી નર્મદે મહોત્સવ યોજાયો

- text


નવા નીરના વધામણા અને મેઘલાડુ વિતરણ કરી મહોત્સવની ઉજવણી કરાઇ

મોરબી : સમગ્ર ગુજરાતમાં આજે નર્મદા નિરના વધામણા કરવામાં આવ્યા હતા. ત્યારે મોરબી જિલ્લામાં પણ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા મચ્છુ-2 ડેમ સાઇટ મધ્યે નર્મદા નિરના વધામણાનો રંગારંગ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. મચ્છુ-2 ડેમ સાઇટ પર ગુજરાત સ્ટેટ રૂરલ ઇન્ડસ્ટ્રીઝ માર્કેટીંગ કોર્પોરેશનના ચેરમેન મેઘજીભાઇ કણજારીયા સહિતના અગ્રણીઓએ નવા નિરના વધામણા આરતી ઉતારીને કર્યા હતા.

નમામિ દેવી નર્મદે મહોત્સવ પ્રસંગે ગુજરાત સ્ટેટ રૂરલ ઇન્ડસ્ટ્રીઝ માર્કેટીંગ કોર્પોરેશનના ચેરમેન મેઘજીભાઇ કણજારીયાએ તેમના પ્રવચનમાં જણાવ્યું હતું કે રાજ્યની પ્રગતિશીલ સરકારે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં સમગ્ર ગુજરાતમાં પીવા અને સિંચાઇના પાણી માટે પાણીદાર આયોજન કર્યું છે તેનું આ જીવંત ઉદાહરણ છે. રાજ્ય સરકાર પાણી અંગે યોગ્ય આયોજન થકી પાણીની સમસ્યાઓ દૂર કરવા સતત પ્રયાસરત હોવાનું પણ જણાવ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે,દેશના વડાપ્રધાન જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે પણ નર્મદા ડેમના વિકાસ માટે અથાગ પ્રયાસો કરીને ડેમની નિયત ઊંચાઇ સુધી લઇ જઇ દરવાજાના કામોને વડાપ્રધાન બનતાની સાથે જ 17માં દિવસે જ મંજૂરી આપી હોવાનું મેઘજીભાઇ કણજારીયાએ જણાવી વધુમાં ઉમેર્યું હતું કે સૌનો સાથ સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ સાથે સરદાર વલ્લભભાઇ પટેલનું નર્મદા ડેમનું સ્વપ્ન રાજ્ય સરકારે પૂર્ણ કર્યું છે.દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિને ઉજવાઇ રહેલા નર્મદા મહોત્સવમાં નર્મદા નદી અને સરદાર સરોવરનો રાજ્યનો સામાજિક અને આર્થિક વિકાસમાં સૌથી મોટો ફાળો હોવાનો મત મેઘજીભાઇ કણજારીયાએ રજૂ કર્યો હતો.

- text

પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ પ્રાસંગિક પ્રવચનમાં સૌરાષ્ટ્ર માટે સૌની યોજના થકી રાજ્ય સરકારે પાણીની સમસ્યાને દેશવટો આપ્યો છે. રાજ્ય સરકારે મોરબી જિલ્લામાં પાણી અંગે કરેલા કાર્યોની વિગતો પણ પ્રસ્તુત કરી હતી. કાર્યક્રમના પ્રારંભે જિલ્લા વિકાસ અધિકારી એસ.એમ. ખટાણાએ ઉપસ્થિત મહેમાનોને આવકારી કાર્યક્રમની રૂપરેખા આપી સરદાર સરોવર ડેમ અને સૌની યોજના થકી ગુજરાતના ખૂણે ખૂણે પાણી પહોંચાડી ડેમો ભર્યા છે અને મચ્છુ-2માં પણ નર્મદાના પાણી આવ્યા હોવાનો ખાસ ઉલ્લેખ કર્યો હતો.

આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભવોએ મચ્છુ-2 ડેમ સાઇટ પર શ્રીફળ અર્પણ કરી શ્રીકાર વરસાદના પગલે આવેલા નવા નિરના આરતી ઉતારીને વધામણા કર્યા હતા. ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સ્વચ્છતા અંગે જાગૃતિ માટે નાગરિકોને અપીલ કરીને તેને અનુસંધાને કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને સ્વચ્છતા માટે યુવા વિકાસ અધિકારી હિરલબેન વ્યાસ દ્વારા સંકલ્પ લેવડાવ્યા હતા. ડેમ સાઇટ પર અગ્રણી અને અધિકારીઓ દ્વારા પણ પ્લાસ્ટીકના કચરાનું એકત્રિકરણ કરી જાગૃતિનો અનેરો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો.

આ તકે રાજ્ય સરકાર દ્વારા આંગણવાડીની બહેનોને સ્માર્ટ અને આધુનિક સુવિધાથી સજ્જ કરવા માટે અને દૈનિક અહેવાલ પત્રકો ભરવા માટેની CAS યોજના અંતર્ગત પ્રતિકાત્મક રૂપે આંગણવાડીની બહેનોને મોબાઇલ ફોનનું વિતરણ કરવામાં આવ્યું હતું. અગ્રણીઓ અને અધિકારીઓ દ્વારા મચ્છુ-2 સાઇટ પર વૃક્ષારોપણ કરી ઉત્સવની ઉજવણી પ્રસંગે સૌને મેઘલાડુ પણ વિતરણ કરાયા હતા.

આ પ્રસંગે બગથળા નકલંકધામના મહંતશ્રી દામજી ભગત, જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઇ ગડારા, મહામંત્રી હિરેન પારેખ, અધિક નિવાસ કલેક્ટર કેતન પી. જોષી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી રામદેવસિંહ ગોહિલ, મોરબી પ્રાંત અધિકારી એસ.જે. ખાચર, મામલતદાર ડી.જે. જાડેજા, મોરબી સીટી મામલતદારશ્રી કાસુન્દ્રા સિંચાઇ વિભાગમાંથી શ્રી ઉપાધ્યાય, જિલ્લા શિક્ષણાધિકારી બી.એમ.સોલંકી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મયુર પારેખ, મહિલા અગ્રણી મંજુલાબેન દેત્રોજા, મોરબી શહેર પ્રમુખ લાખાભાઇ જારીયા, મોરબી નગરપાલિકા ચીફ ઓફિસર સાગર રાડિયા સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

- text