મોરબી : લાતીપ્લોટમાં ઉભરાતી ગટર સમસ્યા મામલે ઉધોગકારોનો પાલિકામાં મોરચો

- text


ઘણા સમયથી ગટર ઉભરાતી હોવા છતાં તંત્ર ધ્યાન ન આપતા ઉધોગકારોએ પાલિકા અને કલેકટર કચેરીએ ઉગ્ર રજુઆત કરી

મોરબી : મોરબી શહેરની આર્થિક કરોડરજ્જુ સમાન ગણાતા લાતીપ્લોટ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પ્રાથમિક સુવિધાઓનો સંદતર અભાવ હોવાથી આ વિસ્તારની કમર ભાંગી ગઈ છે. તેમાંય છેલ્લા ઘણા સમયથી લાતી પ્લોટ શેરી નંબર 7માં ગટર ઉભરાતી હોવાથી વેપાર ધંધા પર વિપરીત અસર પડી છે. આથી સ્થાનિક ઉધોગકારો ગટર સમસ્યા મામલે આજે પાલિકા અને કલેકટર કચેરીએ દોડી જઈને ઉગ્ર રજુઆત કરી હતી.મોરબીના લાતીપ્લોટ વિસ્તારની દશા પાલિકા તંત્રની બેદરકારીના પાપે બેહાલ થઈ ગઈ છે. તેમાંય ચોમાસામાં લાતીપ્લોટની નર્કથી બદતર સ્થિતિ સર્જાઈ છે. હાલમાં ચોમાસાનો સમય હોય અને પાણીનો નિકાલ ન હોવાથી નીચાણવાળા આ વિસ્તારમાં વરસાદી પાણીની સાથે ગટરના દૂષિત પાણીનો સતત ભરાવો થઈ રહ્યો છે. જ્યારે લાતીપ્લોટ શેરી નંબર 7માં છેલ્લા ઘણા સમયથી ગટર ઉભરાઈ રહી છે. ગટરની ગંદકી ઓવરફ્લો થતી હોય અહીંના નાના મોટા ઉધોગમાં ગટરના પાણી ફરી વળતા વેપાર ધંધા ઠપ્પ થઈ ગયા છે.

- text

આ મામલે અનેક રજુઆત કરવા છતાં નિભર તંત્રના પેટનું પાણી ન હાલત આજે રોષે ભરાયેલા આ વિસ્તારના નાના મોટા ઉધોગકારો મોરબી પાલિકા કચેરી અને કલેકટર કચેરીએ રજુઆત કરવા દોડી ગયા હતા. પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર હાજર ન હોવાથી ઉધોગકારોએ પાલિકાના કર્મચારી સંગ્રામસિંહ સમક્ષ રજૂઆત કરી હતી કે ,લાતીપ્લોટમાં છેલ્લા ઘણા સમયથી ગટર ઉભરાતી હોવાથી વેપાર ધંધા કરવાનું મુશ્કેલ બન્યું છે અને ભારે હાલાકી ભોગવવી પડે છે. જોકે વર્ષોથી આ ગંભીર સ્થિતિ હોય પાલિકા તંત્ર આ મુદ્દે યોગ્ય ધ્યાન આપી લાતીપ્લોટમાં ગટરની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવે તેવી માંગ કરી હતી.

- text