શહેરી વિસ્તારમાં હેલ્મેટમાંથી મુક્તિ આપવાની માંગણી કરતું મોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ

- text


ટ્રાફિક નિયમ ભંગના અવ્યવહારુ કાયદાનો વિરોધ કરતું મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ

મોરબી : 16 સપ્ટેમ્બરથી લાગુ થયેલા ટ્રાફિક નિયમ ભંગ સબબ ચામડા તોડ દંડ લેવાની કાર્યવાહી સામે સમગ્ર રાજ્યમાં વિરોધનો વંટોળ ઉઠ્યો છે. ત્યારે મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા પણ આ અવ્યવહારુ કાર્યવાહી સામે વિરોધ નોંધાવવામાં આવ્યો છે.

આ અંગે મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાના જણાવ્યા અનુસાર શહેરી વિસ્તારમાં વાહનોની ગતિ નિયંત્રિત હોય છે, જ્યાં જીવલેણ અકસ્માતો નહિવત પ્રમાણમાં થાય છે આથી શહેરી વિસ્તારમાં હેલ્મેટના કાળા કાયદાની વ્યવહારુ જરૂરિયાત ન હોવા છતાં વાહન ચાલકોમાથે આ કાયદો જબરદસ્તીથી ઠોકી બેસાડવામાં આવ્યો હોય તેવું સર્વ નાગરિકો માની રહ્યા છે. મોરબી શહેરમાં ટ્રાફિકની ગીચતા અને રોડ-રસ્તાની હાલત જોતા આમ પણ ટ્રાફિક ધીમી ગતિએ ચાલતો હોવાથી એવા અકસ્માતની શક્યતાઓ નથી કે જેમાં હેલ્મેટ પહેરવાની જરૂરિયાત વર્તાય.

- text

મોરબી શહેરમાં શ્રમજીવી, નોકરિયાત અને મધ્યમવર્ગ જ મોટે ભાગે દ્વિચક્રીય વાહનોનો વધુ ઉપીયોગ કરે છે. ત્યારે આ વર્ગની માસિક આવક સરેરાશ 15 હજારની આસપાસ હોય છે. આવા વાહન ચાલકો માટે તોતિંગ દંડ ભરવો એટલે ઘરનું બજેટ બગાડવાની સ્થિતિ ઉત્પન્ન થાય છે. વળી હાલ હેલ્મેટ અને પીયૂસી માટે લોકો રઘવાયા થયા હોય શહેરમાં પ્રમાણિત હેલ્મેટો મળતી નથી. લેભાગુ ફેરિયાઓ તકલાદી અને ડુપ્લીકેટ આઈએસઆઈ બ્રાન્ડના હેલ્મેટ ઊંચા ભાવ લઈને વેચી રહ્યા છે. સરકારનું તેના પર કોઈ નિયંત્રણ નથી. આથી લોકો છેતરાઈ રહ્યા છે. પીયૂસી કઢાવવા માટે લાઈનો લાગી છે, જેમાં પણ 20 રૂપિયાના બદલે 100 રૂપિયા સુધીનો મનપડે તેવો ભાવ લેવાઈ રહ્યો છે.

હાલ ચાલી રહેલી મંદીની અસરને કારણે 70 ટકા જેટલા સીરામીક યુનિટો બંધ છે અથવા પુરી ક્ષમતાથી રોજગારી પુરી પાડી શકતા નથી. મજૂર વર્ગ અને કર્મચારીઓના પગારો સમયસર થતા નથી. આવી કપરી પરિસ્થિતિમાં ટ્રાફિક નિયમનો અવ્યવહારુ અભિગમ પડતા પર પાટા સમાન હોવાનું લોકો પોકારી પોકારીને કહી રહ્યા છે, ત્યારે સરકાર આ મુદ્દે કશી બાંધછોડ કરવા તૈયાર નથી. કમસેકમ શહેરી વિસ્તારમાંથી ફરજીયાત હેલ્મેટના કાયદા અંગે પુનઃવિચાર કરવો જરૂરી છે. આ ઉપરાંત પીયૂસી, વીમો તેમજ આરટીઓના જાહેર કેમ્પો કરી લોકોને અગવડ વિના તથા માર્ગદર્શન સાથે દરેક ડોક્યુમેન્ટ મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ. એમ લાલજીભાઈ મહેતાએ અંતમાં જણાવ્યું છે.

- text