મોરબી સીરામીક એસો.ના પ્રમુખ અને ટ્રાફિક એજ્યુ.ટ્રસ્ટના ખજાનચીને રૂ.500નો ટ્રાફિક દંડ

પોલીસ ડ્રાઇવ દરમિયાન કાર ચલાવતી વખતે સીટ બેલ્ટ ન પહેર્યો હોવાથી તુરંત જ ભૂલ સ્વીકારી નિલેશ જેતપરિયાએ દંડ ભરી કાયદો તમામ માટે સરખો હોવાનું દ્રષ્ટાંત સર્જ્યું

મોરબી : મોરબી સીરામીક વોલ ટાઇલ્સ એસોસિએશનના પ્રમુખ અને મોરબી જિલ્લા ટ્રાફિક એજ્યુકેશનના ખજાનચી નિલેશભાઈ જેતપરિયાએ આજે કારમાં સીટ બેલ્ટ પહેર્યો ન હોવાથી પોલીસે તેમને રૂ. 500નો દંડ ફટકાર્યો હતો. ત્યારે તેઓએ સામે સહજભાવે પોતાની ભૂલ સ્વીકારીને તુરંત જ દંડની રકમ ભરપાઈ કરી કાયદો તમામ માટે એક છે તેવું દ્રષ્ટાંત પૂરું પાડ્યું હતું.

મોટાભાગે જ્યારે પોલીસ કોઈ સામાન્ય વાહનચાલકને અટકાવે છે ત્યારે વાહનચાલક પોતાના ખિસ્સામાં હાથ નાખીને આડા અવળા ફોન ઘુમાવતા નજરે પડે છે. તેમાં પણ જો કોઈ વગદાર વ્યક્તિ હોય તો તો તેની પોલીસ સાથે રોફ સાથેની જામી પડે છે. પરંતું આજે સીરામીક એસોસિએશનના પ્રમુખ નિલેશભાઈ જેતપરિયા કે જેઓ મોરબી જિલ્લા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટના ખજાનચી પણ છે. તેઓએ કારમા સીટ બેલ્ટ નહોતો પહેર્યો. ત્યારે પોલીસ દ્વારા તેમની કાર ઉભી રખાવવામાં આવી હતી. સામે નિલેશભાઈ જેતપરિયાએ પણ પોતાની ભૂલ સ્વીકારીને તુરંત જ રૂ. 500નો દંડ ભરપાઈ કરી દીધો હતો.

આ ઘટનામાં બે દ્રષ્ટાંતો જોવા મળ્યા હતા. એક તો પોલીસે પણ સાબિત કરી બતાવ્યું હતું કે કાયદો તમામ માટે એક હોય છે. જ્યારે બીજી બાજુ દેશ વિદેશમાં જેમના માર્ગદર્શન હેઠળ મોરબીનો સીરામીક ઉદ્યોગ હરણફાળ ભરી રહ્યો છે તેવા આગેવાન અને મોરબી જિલ્લાને ટ્રાફિક એજ્યુકેશન આપનાર ટ્રસ્ટના હોદેદાર નિલેશભાઈ જેતપરિયાએ પણ સાબિત કરી બતાવ્યું હતું કે પોતાના હોદાનો દુરુપયોગ ન કરવો જોઈએ. કારણ કે કાયદો વગદાર હોય કે કોઈ સામાન્ય માણસ, તમામ માટે એક જ હોય છે.