મોરબી જિલ્લામાં નવા ટ્રાફિક નિયમના પ્રથમ દિવસે રૂ. 63 હજારનો દંડ વસુલાયો

- text


પોલીસ દ્વારા પ્રથમ દિને સઘન ટ્રાફિક ઝુંબેશ ચલાવાઈ : PUC અને HSRP વિનાના વાહનચાલકોને 30 સપ્ટેમ્બર સુધી દંડમાંથી મુક્તિ

મોરબી : નવા ટ્રાફિક નિયમની અમલવારીના આજે પ્રથમ દિવસે પોલીસે આજે સઘન ટ્રાફિક ઝુંબેશ ચલાવી હતી. આ ઝુંબેશમાં પોલીસે રૂ. 63 હજારના દંડની વસુલાત કરી હતી.

મોરબી સહિત સમગ્ર રાજ્યમાં આજે 16 સપ્ટેમ્બરથી નવા ટ્રાફિક એકટની અમલવારી શરૂ થઈ છે. કેન્દ્ર સરકારે બનાવેલા ટ્રાફિકના આકરા નિયમોમાં રાજ્ય સરકારે થોડા અંશે ઘટાડો કરીને તેને આજથી અમલી બનાવ્યા છે. ત્યારે આજે સમગ્ર મોરબી જિલ્લામા જિલ્લા પોલીસ અધિક્ષક ડો. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લાની પોલીસે સઘન ટ્રાફિક ઝુંબેશ ચલાવી હતી.

- text

જો કે PUC અને HSRP નંબર પ્લેટ માટે વાહનચાલકોનો ભારે ધસારો હોય જેને ધ્યાને રાખીને તેની મુદત તા. 30 સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી છે. જેથી આ બન્નેને બાદ કરતાં હેલ્મેટ, સીટ બેલ્ટ, લાઇસન્સ વગેરે ન હોય તેવા વાહનચાલકોને દંડ ફટકારવામાં આવ્યા હતા. સમગ્ર જિલ્લામાં પોલીસે કુલ રૂ. 63,900નો દંડ ફટકાર્યો હતો. જોકે પોલીસ દ્રારા ટ્રાફિક ઝુંબેશની શરૂઆત પ્રથમ પોતાના પોલીસ મથકોથી કરી પોલીસ કર્મીઓના વાહનોનું ચેકીંગ હાથ ધરી કાયદો દરેક સમાન હોવાનો મેસેજ આપ્યો હતો. જયારે મોરબી જિલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાઘેલાની સૂચના મુજબ ટ્રાફિક પોલીસે તમામ વાહન ચાલકો સાથે યોગ્ય વ્યવહાર કરી શાંતિથી પોતાની કામગીરી કરી હતી. જોકે બીજી બાજુ મોરબી શહેરમાં ટ્રાફિક પોલીસે કડક કાર્યવાહીના બદલે માનવતાવાદી અભિગમ સાથે કાર્યવાહી કરતા લોકોએ પણ રાહતનો દમ લીધો હતો. જયારે હજુ પણ હેલ્મેટ અને પીયુસી માટે લોકોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો.

- text