મોરબી : નવા ટ્રાફિક એક્ટ સામે આપ દ્વારા 2 ઓક્ટોબરથી અસહકાર આંદોલન

આપનું જિલ્લા કલેકટરને આવેદન : નવા ટ્રાફિક એકટને કાળો કાયદો ગણાવી તેને હટાવવાની માંગ

મોરબી : કેન્દ્ર સરકારે નવો ટ્રાફિક એક્ટ બનાવ્યો છે. જેમાં સુધારા કરીને રાજ્ય સરકારે આજથી તેને અમલમાં મુક્યો છે. આ નવા એક્ટને આમ આદમી પાર્ટીએ કાળો કાયદો ગણાવીને આગામી તા.2 ઓક્ટોબરથી અસહકાર આંદોલન કરવાનું બ્યુન્ગલ ફૂંકયું છે. આ મામલે મોરબી જિલ્લા કલેકટરને આવેદન પણ પાઠવવામાં આવ્યું હતું. આમ આદમી પાર્ટી દ્વારા મોરબી કલેકટરને આવેદનમાં જણાવાયું હતું કે અત્યારે મોંઘવારી, બેકારી અને મંદીના કપરા સમયમાં દેશની જનતા આર્થિક પાયમાલીનો ભોગ બની છે. ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા થોપાનાર સુધારેલ ટ્રાફિક નિયમન એકટને આમ આદમી પાર્ટી, ગુજરાત, પ્રજા પર લાદવામાં આવેલ કાળા કાયદા સમાન ગણાવી તેનો વિરોધ કરે છે. અને એ કાયદાને તાત્કાલિક ધોરણે પરત લેવા કેન્દ્ર સરકારને અનુરોધ કરે છે.

આ એકટ સંદર્ભે પ્રજાના સખત રોષ અને વિરોધથી ગભરાઈને ગુજરાત સરકારે મામલો થાળે પાડવાની કોશિશ રૂપે કાયદામાં મામુલી જેવા સુધારાઓ કરાવીને આજથી રાજ્યમાં સુધારેલા દરે દંડ લાગુ કરવાની અને વસુલ કરવાની જાહેરાત કરી છે.આમ આદમી પાર્ટી ગુજરાત આ મામુલી સુધારાઓના લટકતા ગાજરનો પણ સખત વિરોધ કરે છે. જો કેન્દ્ર સરકાર 1 ઓક્ટોબર, 2019 સુધીમાં આ કાળો કાયદો પાછો નહીં ખેંચે અને અગાઉના જુના કાયદાનો જ અમલ રાખવાનું જાહેર નહીં કરે તો આમ આદમી પાર્ટી ગુજરાત આ કાળા કાયદા સામે 2 ઓક્ટોબર, 2019 થી ગુજરાતભરમાં અસહકાર આંદોલન શરૂ કરશે. તા. 2 ઓક્ટોબર, 2019ના રોજ આમ આદમી પાર્ટી દરેક શહેર, જિલ્લા, તાલુકામાં ગુજરાતના લોકોને આ કાળા કાયદાના વિરોધમાં જોડાવા આહવાન કરશે અને વિવિધ પ્રજાલક્ષી કાર્યક્રમો આપશે. તેમ જણાવાયુ હતું.