ચંદ્રયાન-2ની સિદ્ધિમાં મોરબીના એક ભૂતપૂર્વ વિદ્યાર્થીનું નોંધપાત્ર યોગદાન

- text


મૂળ ધ્રાંગધ્રાના વતની અને હળવદના ભાણેજ એવા ઇસરોના વૈજ્ઞાનિક લલિતભાઈ ઠાકરે મોરબીની એન. જી. મહેતા હાઈસ્કૂલમાં ધો. 8થી 10 અને વી.સી.ટેક્નિકલ હાઈસ્કૂલમાં ધો.11, 12નો અભ્યાસ કર્યો છે

મોરબી : દેશમાં સર્વત્ર એક વિષયની જો કોઈ ચર્ચા હોય તો એ છે ચંદ્રયાન-2ની. ચંદ્રયાન મિશન કામયાબ રહ્યું કે નહીં એની ચર્ચાઓ વચ્ચે આ મિશન પાછળ રાત-દિવસ જોયા વગર મહેનત કરનાર વૈજ્ઞાનિકો વિશે બહુ ઓછા લોકોને જાણકારી હોય છે. જો કે આનું કારણ પણ છે. ઇસરોમાં કાર્ય કરતા દરેક વૈજ્ઞાનિકો પોતાના કામ પ્રત્યે એટલા સમર્પિત હોય છે કે એમને સ્વપ્રશસ્તિની કશી પડી જ નથી. ત્યારે એ વાત પણ તાજુબ કરનારી છે ઇસરોમાં હાલ ઘણા ગુજરાતીઓ કામ કરી રહ્યા છે પણ એની જાણકારી ગુજરાતીઓને પણ ભાગ્યે જ હોય છે. ત્યારે સૌરાષ્ટ્રના એક યુવા વૈજ્ઞાનિક ઇસરોમાં કામગીરી બજાવી રહ્યા છે. જે સૌરાષ્ટ્રના વિવિધ શહેરોની ગુજરાતી માધ્યમની સ્કૂલોમાં અભ્યાસ કરીને ઇસરોમાં પહોંચ્યા છે. એ છે હળવદના ભાણેજ લલિત ઠાકોર.

ઈસરો (ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન)ના ચંદ્રયાન મિશનના પાયામાં વિક્રમ સારાભાઈનું યોગદાન છે. આથી જ ચંદ્રયાન પર પહોંચેલા ઉપકરણને “વિક્રમ” નામ આપવામાં આવ્યું છે. વિક્રમ સારાભાઈ ગુજરાતી હતા. આવા જ એક ગુજરાતી હાલ ઇસરોમાં કાર્યરત છે જે મુન મિશન સાથે સંકળાયેલા છે. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં જન્મેલા હાલ 38 વર્ષના લલિત ઠાકર મુન મિશન સાથે સંકળાયેલા છે એ ઝાલાવાડની સાથે હળવદવાસીઓ તેમજ મોરબીવાસીઓ માટે પણ ગૌરવ લેવા જેવી બાબત છે. કેમકે તેઓ હળવદના ભાણેજ છે તો સાથોસાથ એમણે મોરબીમાં પ્રાથમિક અને હાઇસ્કૂલનો અભ્યાસ કર્યો છે. લલિતભાઈ ઠાકરનો જન્મ ધ્રાંગધ્રામાં થયો છે પણ તેઓના માતા નીરુબેનનું પિયર હળવદમાં છે. એટલે કે લલિતભાઈનું મોસાળ હળવદમાં છે.

- text

લલિતભાઈના પિતા બેન્ક મેનેજર હતા. હાલ તેઓ અને તેમના પત્ની લલિતભાઈ સાથે બેંગ્લુરુમાં રહે છે. પિતાની બેન્ક મેનેજરની નોકરીને કારણે દર ત્રણેક વર્ષે તેઓની બદલી અલગ-અલગ શહેરોમાં થતી રહેતી હોવાથી લલિતભાઈએ ધ્રાંગધ્રા, ઓખા, મોરબી, ભાવનગર સહિતના શહેરોની શિક્ષણ સંસ્થાઓમાં અભ્યાસ કર્યો અને એ પણ ગુજરાતી માધ્યમમાં. મોરબીમાં લલિતભાઈએ આઠથી દસ ધોરણ સુધી એન.જી.મહેતા હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો. ત્યાર બાદ મોરબીની વી.સી.ટેક્નિકલ હાઈસ્કૂલમાં 11-12નો અભ્યાસ કર્યો. ત્યાર બાદ પિતાની બદલી ભાવનગર થતા સરકારી એવી શાંતિલાલ શાહ એન્જીનીયરીંગ કોલેજમાં ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશનમાં એન્જીનીયરીંગની ડિગ્રી મેળવી. ત્યાર બાદ એમના જીવનના મુખ્ય ગોલ માટે ગાંધીનગર સ્થિત ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેક્નોલોજીમાં પ્રવેશ મેળવ્યો. 2004થી 2006 સુધી ઉચ્ચ ડિગ્રનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ઈસરોની પરીક્ષામાં પાસ થયા અને ત્યારથી તેઓ ઇસરોમાં ફરજ બજાવે છે.

તેઓની આ સફરમાં તેઓના માતાના યોગદાનનો તેઓ ગર્વભેર સ્વીકાર કરતા કહે છે કે અભ્યાસના દરેક તબક્કે માતાએ તેમની ખુબ કાળજી લીધી છે. દિવસ-રાતના ઉજાગરા વેઠીને મારી દરેક જરૂરિયાતનું માતાએ ખુબ જ ધ્યાન રાખ્યું છે. એમના સાથ-સહકારથી જ આ સ્થાને હું પહોંચી શક્યો છું. 2011માં તેમને ઈસરો તરફથી યંગ સાયન્ટિસ્ટનો એવોર્ડ પણ મળી ચુક્યો છે. ત્યારે ખાસ કરીને વિજ્ઞાનના ક્ષેત્રમાં આગળ વધેલા લલિતભાઈનો આ કિસ્સો મોરબી અને હળવદવાસીઓને ગૌરવની લાગણી સાથે પ્રેરણા આપે તેવો છે.

- text