મોરબીમાં તાલુકા કક્ષાએ ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું

- text


મોરબી : મોરબીમાં તાલુકા કક્ષાએ ગણિત-વિજ્ઞાન પ્રદર્શન ગત તા. 12 સપ્ટેમ્બરના રોજ જેતપરની તપોવન સ્કૂલ ખાતે યોજાયું હતું. જેમાં શિક્ષણાધિકારી બી. એમ. સોલંકીના વરદહસ્તે રીબીન કટિંગ કરી આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ મનોજભાઈ ઓગણજા અને તેમની ટીમએ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓનો જૂસ્સો વધારવાનું કાર્ય કર્યું હતું. શ્રી શંકરલાલ શાસ્ત્રી શાળા વિકાસ સંકુલ – મોરબીના કન્વીનર શ્રી નરેશભાઇ સાણજાના જણાવ્યા મુજબ G.C.E.R.T. ગાંધીનગર તરફથી આ વર્ષના વિજ્ઞાન-ગણિત પ્રદર્શન-2019નો મુખ્ય વિષય “ટકાઉ વિકાસ માટે વિજ્ઞાન અને ટેકનોલોજી” રાખેલ હતો. જેમાં પેટા પાંચ વિષયોમાં મોરબી તાલુકાની જુદી-જુદી 62 શાળાઓ માંથી કુલ 68 પ્રોજેકટો બાળ વૈજ્ઞાનિકો દ્વારા રજુ કરવામાં આવ્યા હતા. જેમા ટકાઉ કૃષિ પધ્ધતિઓ અંગેના 8 પ્રોજેક્ટસ, સ્વચ્છતા અને સ્વાસ્થ્યના 15 પ્રોજેક્ટસ, સંશાધન વ્યવસ્થાપનના 29 પ્રોજેક્ટસ, ઔધોગિક વિકાસને લગતા 5 પ્રોજેક્ટસ અને ભવિષ્યમાં પરિવહન અને પ્રત્યાપન તેમજ શૈક્ષણિક રમતો/ગાણિતિક નમુના નિર્માણ અંગેના 11 પ્રોજેક્ટસનું પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું. જેને અનુસંધાને વિજ્ઞાન-ગણિત પ્રદર્શન નિહાળવાનો બહોળી સંખ્યામાં લોકોએ લાભ મેળવ્યો હતો. આ સાથે નિર્ણાયક તરીકે અશોકભાઈ કામરીયા, ડૉ.રિતેશભાઈ અધારા અને યોગેશભાઈ કંઝારીયા ઉપસ્થિત રહ્યા હતા. જેમને ખૂબ જ ચીવટપૂર્વક નિર્ણાયકની કામગીરી કરી હતી. તેમની કામગીરીને શ્રી શંકરલાલ શાસ્ત્રી શાળા વિકાસ સંકુલ – મોરબીના કન્વીનર નરેશભાઇ સાણજા, સહ કન્વીનર અતુલ પાડલીયા તેમજ તપોવન વિદ્યાલય – જેતપરના સંચાલક જીતુભાઈ વડસોલાએ તમામનો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.

- text