મોરબીનું સીરામીક એસો. દંડનીય કાર્યવાહીથી નારાજ : હાઇકોર્ટના દ્વાર ખખડાવવાના મંડાણ

મોરબીનું સીરામીક એસો. દંડનીય કાર્યવાહીથી નારાજ : હાઇકોર્ટના દ્વાર ખખડાવવાના મંડાણ

સીરામીક એસોસિએશને આગામી આયોજન અંગે બેઠક બોલાવી : જીપીસીબીની લાખો અને કરોડોમા દંડ ફટકારવાની કાર્યવાહી સામે રાજ્ય સરકારને કરાશે રજુઆત

મોરબી : મોરબીના સીરામીક ઉદ્યોગ ઉપર એક બાદ એક સતત મુસીબત આવી રહી છે. તેવામાં જીપીસીબી દ્વારા ભૂતકાળમાં કોલગેસીફાયરનો ઉપયોગ કરનારા 608 એકમોને અંદાજે રૂ. 400 કરોડનો દંડ ફટકાતી નોટિસો પાઠવી છે. ત્યારે આ દંડનીય કાર્યવાહી સામે સીરામીક એસોસિએશન દ્વારા આજે બેઠક બોલાવવામાં આવી હતી. અને આ અંગે ચર્ચા વિચારણા કર્યા બાદ જરુર પડ્યે નામદાર હાઇકોર્ટમાં જવાની તૈયારી દર્શાવવામાં આવી હતી.

જીપીસીબી દ્વારા એનજીટીના આદેશને પગલે મોરબીના 608 સીરામીક એકમોને દંડની નોટિસો ફટકારવામાં આવી છે. જેમાં કોલગેસીફાયર વાપરવાના એક દિવસના રૂ. 5 હજાર અને એક વર્ષના રૂ. 18.5 લાખ લેખે પેનલ્ટી ફટકરાઈ છે. સીરામીક ઉદ્યોગોને રૂ. 40 લાખથી લઈને એક કરોડ સુધીની પેનલ્ટી મળી છે. આ નોટિસમાં જ્યારથી જે તે સિરામિક ઉદ્યોગે કોલગેસીફાયરનું ઈન્સ્ટોલેશન કરાવ્યું હોય ત્યારે થી લઈને જ્યારે તેને કોલગેસીફાયર બંધ કર્યુ ત્યાં સુધીનો સમયગાળો ગણી લેવામાં આવ્યો છે. જીપીસીબી દ્વારા તમામ નોટિસોમા કુલ અંદાજીત રૂ. 400 કરોડનો દંડ ફટકરાયો હોવાનું જાણવા મળ્યું છે. નોટિસમાં આ દંડ દિવસ 30મા ભરી દેવાનો હુકમ કરવામાં આવ્યો છે.

આ દંડનીય કાર્યવાહી સામે આજે સીરામીક એસોસિએશનની બેઠક મળી હતી. જે અંગે સીરામીક એસોસિએશનના પ્રમુખ નિલેશભાઈ જેતપરિયાએ જણાવ્યું કે જીપીસીબી દ્વારા સીરામીક ઉદ્યોગોને ખોટી સજા આપવામાં આવી રહી છે. આ દંડના નિર્ણય સામે જીપીસીબી ફેરવિચારણા કરે તેવી રાજ્યસરકારમાં રજુઆત પણ કરીશું. અને કાયદાકીય અભ્યાસ કરીને જરૂર પડ્યે નામદાર હાઇકોર્ટમાં પણ જશું. વધુમાં તેઓએ એ પણ ઉમેર્યું હતું કે આ દંડનીય કાર્યવાહીમાં કોલગેસીફાયરનો વપરાશ ન કર્યો હોય તેવા અનેક નિર્દોષ ઉદ્યોગો પણ હડફેટે લેવાયા છે.

સીરામીક એસોસિએશનના પ્રમુખ મુકેશભાઈ ઉધરેજાએ જણાવ્યું કે જીપીસીબીએ દંડ ફટકાર્યો છે. તે આયોગ્ય છે. અગાઉ નોટિસ પાઠવ્યા વગર સીધો લાખો અને કરોડોનો દંડ ફટકારી 30 દિવસમાં ભરી દેવાનું જણાવાયુ છે. જે અયોગ્ય હોવાનું એસોસિએશનના એડવોકેટ જણાવી રહ્યા છે. આ અંગે એસોસિએશન જીપીસીબીને રજુઆત કરશે. અને જરૂર પડ્યે કોર્ટમાં પણ જશે.