મોરબીમાં ભરબજારે મહિલાના હાથમાંથી રોકડ ભરેલા પર્સની ચિલઝડપ

- text


સોનાની ખરીદી માટે આવેલા ગ્રામ્ય પરિવારની મહિલાના હાથમાં રહેલા પર્સને બે બાઇક સવાર શખ્સો ઝૂંટવીને ફરાર

મોરબી : મોરબીમાં આજે ભરબજારે દિન દહાડે રોકડ ભરેલા પર્સની ચિલઝડપ થયાનો બનાવ સામે આવ્યો છે.જેમાં સોનાની ખરીદી માટે મોરબીની બજારમાં આવેલા ગ્રામ્ય વિસ્તારના પરિવારની મહિલા સભ્યોના હાથ રહેલા પર્સને પાછળથી બાઇકમાં આવેલ બે શખ્સો ઝુટવીને ફરાર થઈ ગયા હતા.એ ડિવિઝન પોલીસે આ બનાવ અંગે તપાસ શરૂ કરી છે. આ ચિલઝડપના બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના એક ગ્રામ્ય વિસ્તારનો પરિવાર આજે સોના ચાંદીના દાગીનાની ખરીદી માટે મોરબીની સોની બજારમાં આવ્યો હતો અને નહેરુ ગેટ ચોક અંદર આવેલ સોના ચાંદીના દાગીનાની દુકાન ચોકસી બ્રધર્સમાંથી આ પરિવાર દાગીનાની ખરીદી કરીને બહાર નીકળ્યો હતો.તે સમયે આ ગ્રામ્ય વિસ્તારના પરિવારની મહિલાના હાથમાં રોકડ રકમ ભરેલું પર્સ હતું.એ પર્સમાં પાંચથી છ મોબાઈલ અને અંદાજીત રૂ.2 લાખ હોવાનું અનુમાન છે.ત્યારે આ મહિલાઓ સોના ચાંદીની દુકાનમાંથી જે ખરીદી કરીને બહાર નીકળી કે તરતજ એમના હાથમાં રહેલું આ રોકડ ભરેલું પર્સ પાછળથી બાઇકમાં આવતા બે શખ્સો ઝુટવીને ફરાર થઈ ગયા હતા.જોકે મહિલાઓએ બુમો પાડી હતી.પણ ત્યાં સુધી આ બન્ને શખ્સો બાઇકમાં નાસી છૂટ્યા હતા.

- text


આ બનાવની જાણ થતાં એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે.કેટલી રકમની ચિલઝડપ થઈ છે તે તપાસમાં બહાર આવશે.હાલ આ બનાવની પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.અને વધુ તપાસ મોરબી એ ડિવિઝન પીએસઆઇ સી.એચ.શુક્લ ચલાવી રહ્યા છે.અત્રે ઉલ્લેખનીય છે કે, મોરબીમાં સોનાના ચેનની ચીલઝડપ અને ચોરીના બનાવો અવારનવાર બને છે ત્યારે આજે સમડીગેંગે ભરબજારમાં ધોળે દિવસે વધુ એક ચીલ ઝડપ કરીને પોલીસને પડકાર ફેંક્યો છે.

- text