લ્યો બોલો..! રાજપર (કું) ગામે થાંભલા પરથી તસ્કરો વીજ વાયર ઉતારી ગયા

મોરબી : મોરબી જિલ્લામાં તસ્કરો હાલમાં એટલા બેખોફ બન્યા છે કે ઘર, દુકાન, ફેકટરી, વાડી વિસ્તાર, કેબિન અને મંદિરોમાં ચોરી કરતા કરતા થાંભલા પર રહેલા વીજ વાયરોની ચોરી પણ કરી રહ્યા છે.

ગઈ કાલે રાત્રી દરમ્યાન મોરબી તાલુકાના રાજપર (કું) ગામ સ્થિત વાડી વિસ્તારમાંથી વીજ થાંભલા પર રહેલા વાયર તસ્કરો કાપીને લઈ ગયા છે. વીજ કંપનીના એન્જીનીયર પટેલ સાહેબના કહેવાનુસાર આ લાઈન ફોલ્ટ થયેલી હોવાથી બંધ હતી જે લાઈનના વીજ વાયર તસ્કરો કાપીને ચોરી કરી ગયા છે. ચોરી થયેલા વીજ વાયરની અંદાજીત કિંમત 30 હજાર જેટલી થવા જાય છે. જો કે પી.જી.વી.સી.એલના કોઈ અધિકારી કે કર્મચારીએ હજુ પોલીસ મથકમાં આ બાબતે વિધિવત ફરિયાદ નોંધાવી નથી તેવું તાલુકા પોલીસ મથકમાંથી જાણવા મળી રહ્યું છે.