આવું પણ સરાહનીય કાર્ય કરે છે મોરબીના એક ટ્રાફિક પોલીસ જવાન

મોરબી : ગઈ કાલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેન્દ્ર દ્વારા લાગુ કરવામાં આવેલા ટ્રાફિકભંગના નિયમો બદલ કરવામાં આવતા ચલાનોમાં માનવીય અભિગમ દાખવીને ગુજરાતમાં દંડની રકમમાં રાહત આપતી જાહેરાત કરી છે. ટ્રાફિક નિયમનો ભંગ કરતા વાહન ચાલકો દ્વારા વારંવાર ટ્રાફિક પોલીસ સાથે દંડની રકમ બાબતે તકરાર થતી હોય છે. ત્યારે વાહન ચાલકો ટ્રાફિક પોલીસને આ બાબતે દોષ આપતા જોવા મળે છે. ત્યારે ટ્રાફિક પોલીસની જવાબદારી અને ફરજ દરમ્યાન તેમણે આપેલો ભોગ લોકોની નજરમાં ખાસ આવતો નથી. ત્યારે મોરબીના એક એવા ટ્રાફિક પોલીસકર્મી છે જેમની કામગીરી ઉડીને આંખે વળગે તેવી છે.

સામાન્ય રીતે વાર-તહેવારે લોકો પરિવાર સાથે રજાની મજા માણતા હોય, શહેરમાં રોજ કરતા વધુ ટ્રાફિકની અવરજવર હોય ત્યારે પોલીસકર્મી ઘર-પરિવાર-બાળકોથી દૂર રહી નાગરિકોની સેવામાં રહેતા હોય છે. રવાપર રોડ સ્થિત સ્વાગત ચોંકડીએ પાછલા 2 વર્ષથી ટ્રાફિક પોલીસમાં હેડ કોન્સ્ટેબલ તરીકે કાર્યરત દેવજીભાઈ દામજીભાઈ બાવરવા ફરજ બજાવે છે. આ ચોકડી ટ્રાફિકથી વ્યસ્ત ચોકડી માની એક છે. મોરબીમાં કદાચ આ ચોકડી પર સહુથી વધુ ટ્રાફિક રહે છે અને આથી જ અહીં ટ્રાફિક કંટ્રોલ કરવો સહુથી મુશ્કેલ છે.ત્યારે વીઆઇપી ગણાતા આ વિસ્તારમાં ચોકડી પર વરસાદની ઋતુમાં ઠેર ઠેર મોટા ખાડા પડી જવાથી વાહન ચાલકોને પારાવાર હાલાકી ભોગવવી પડતી હોય છે. ત્યારે તંત્રની મદદ વગર હેડ.કોન્સ. દેવજીભાઈ જાતે મોરમ કે ઝીણી કપચી પાથરી એ ખાડાઓને સમથળ કરે છે. પોતે જે સ્થળે ફરજ બજાવે છે એ સ્થળનો ટ્રાફિક સરળતાથી ચાલે અને વાહન ચાલકોને કોઈ મુશ્કેલી ન પડે એ માટે તેઓ યેનકેન પ્રકારે સતત કાર્યરત રહે છે. સામાન્ય લોકોની પોલીસ પ્રત્યેની નકારાત્મક છાપ વિરુદ્ધ કાયમ અહીંથી પસાર થતા વાહન ચાલકોમાં આ હેડ.કોન્સ. પ્રત્યે લાગણી જોવા મળે છે. સકારાત્મક અભિગમ દ્વારા આ વિસ્તારના સ્થાનિકોમાં દેવજીભાઈ ખાસો આદર ધરાવે છે. તેમના મિલનસાર અને મદદરૂપ થવાના સ્વભાવના કારણે તેમનું અનેક સંસ્થાઓ દ્વારા પણ સન્માન કરવામાં આવ્યું છે.