મોરબીના આનંદનગરમાં વરસાદ અને ગટરના પાણી ભરાતા રોગચાળાનું જોખમ

- text


સ્થાનિકોએ ઘર પાસે ભરેલા દૂષિત પાણી, બંધ લાઈટ અને ખરાબ રોડના પ્રશ્ને પાલિકા તંત્રને રજુઆત કરી

મોરબી : મોરબીના ભક્તિનગર સર્કલ નજીક બાયપાસ પાસે આવેલ આનંદનગરમાં લોકોના ઘરો પાસે વરસાદી પાણીનો નિકાલ ન હોય અને ભૂગર્ભ ગટર ચોકઅપ થઈ જવાથી વરસાદી અને ગટરના પાણી ભરાયા છે.તેથી સ્થાનિક લોકોનું આરોગ્ય જોખમમાં મુકાયું છે.આથી સ્થાનિક લોકોએ ઘર પાસે ભરાયેલા ગટરના પાણી અને બંધ લાઈટ અને ખરાબ રસ્તા અંગે પાલિકા તંત્રને રજુઆત કરી છે. મોરબી બાયપાસ ભક્તિનગર સર્કલ પાસે આવેલા આનંદનગરમાં રહેતા લોકોએ પાલિકા તંત્રને લેખિતમાં રજુઆત કરી હતી કે તેમના ઘરની પાસે ગટર અને વરસાદના પાણી છેલ્લા ઘણા દિવસોથી ભરાયેલા છે.જેમાં સતત કટકે કટકે વરસાદ પડતો હોય પણ વરસાદી પાણીનો નિકાલ ન હોવાથી અને ભૂગર્ભ ગટર ચોકઅપ થઈ જતા વરસાદ અને ગટરના મિશ્રિત ગંદા પાણી ઘર પાસે જ ભરાયેલા હોય ભારે દુર્ગધ ફેલાતા મચ્છરોનો ભારે ઉત્પાત રહેવાથી રોગચાળો વકરવાની ભીતિ સેવાઈ રહી છે.જ્યારે તેમના વિસ્તારના રોડ રસ્તાઓ તૂટી ગયા છે અને સ્ટ્રીટ લાઈટ પણ બંધ હાલતમાં છે તેથી સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.જોકે અગાઉ આ સમસ્યા મામલે પાલિકા તંત્રને રજુઆત કરી હતી.પણ હજુ સુધી તંત્રએ કોઈ પગલાં લીધા નથી.તેથી સમસ્યાઓ વકરી હોવાથી સ્થાનિક લોકોએ આજે ફરી પાલિકા તંત્રને રજુઆત કરીને તેમની સમસ્યાઓનો યોગ્ય ઉકેલ લાવવાની માંગ કરી છે.

- text