મોરબીમાં કોમી એખલાસ ભર્યા વાતાવરણમાં મહોરમ પર્વની પૂર્ણાહુતિ

નગર દરવાજના ચોકમાં તાજીયા ટાઢા થયા બાદ એસપી સહિતના અધિકારીઓ દ્વારા મુસ્લિમ અગ્રણીઓનું સન્માન કરાયું

મોરબી : મોરબીમાં ગઈકાલે 11 તાજીયા સાથેનું વિશાળ ઝુલુસ શહેરભરમાં ફર્યા બાદ સાંજના સમયે નગર દરવાજના ચોક ખાતે તાજીયા ટાઢા થયા હતા. જેમાં કોમી એખલાસભર્યા વાતાવરણમાં મહોરમ પર્વની પુર્ણાહુતી કરાઈ હતી. આ તકે એસીપી સહિતના અધિકારીઓના હસ્તે મુસ્લિમ અગણીઓનું ફુલહાર કરીને સન્માન કરવામાં આવ્યું હતું. કરબલાના શહીદોની યાદમાં માતમરૂપે મનાવાતા મોહરમ પર્વની મોરબીમાં અસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી. મહોરમ નિમિતે સોમવારની રાત્રે 11 તાજીયાઓ પડમાં આવ્યા બાદ ગઈકાલે આ 11 તાજીયાઓનું ઝુલુસ એકદમ શાંતિપૂર્ણ વાતાવરણમાં નીકળ્યું હતું. જેમાં મુસ્લિમ સમાજના ધર્મગુરુ શહેરે ખતીબ સીદીક મિયા બાપુની આગેવાનીમાં મોહરમ પર્વ અસ્થાભેર ઉજવાયું હતું. ગઈકાલે તાજીયાઓનું ઝુલુસ શહેર ભરમાં ફરીને નગર દરવાજાના ચોક પાસે તાજીયા ઠંડા થયા હતા. આ મહોરમ પર્વની પુર્ણાહુતી પ્રસંગે અદભુત કોમી એકતાનો માહોલ સર્જાયો હતો. જેમાં બન્ને સમાજના અગ્રણીઓ એક બીજાના ખંભેખંભા મિલાવીને માતમના પર્વની કોમી એખલાસ ભર્યા વાતાવરણમાં ઉજવણી કરી હતી.

આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા કરનરાજ વાઘેલા અને એ ડિવિઝન પી.આઇ.આર. જે ચૌધરીએ મુસ્લિમ સમાજના અગણીઓનું ફુલહરથી સન્માન કર્યું હતું. આ તકે ધારાસભ્ય બ્રિજેશ મેરજા, કોંગી અગ્રણી કે.ડી.બાવરવા, શહેર કોંગ્રેસ પ્રમુખ રામભાઈ રબારી, પાલિકા પ્રમુખ કેતન વિલપરા સહિતના અગ્રણીઓ હાજર રહીને માતમ પર્વમાં સહભાગી બન્યા હતા.