મોરબીની ન્યુ આલાપ અને પટેલ નગર સોસાયટીમાં પાયાગત સુવિધાઓનો અભાવ

- text


તંત્રના પાપે પારાવાર મુશ્કેલીઓ વેઠતા રહીશો

મોરબી : મોરબી પાલિકાના અણઘડ વહીવટી તંત્રની કાર્ય પધ્ધતિથી આશ્ચર્ય થવા કરતા લોકો હવે આક્રોશીત વધુ થઈ રહ્યા છે. મોરબીના જુના વિસ્તારો સહિત નવી બનેલી સોસાયટીઓમાં પણ માળખાગત સુવિધાઓના બદલે દુવિધાઓ મળવાથી લોકો ત્રાસી ગયા હોય તેમ છાસવારે પાલિકાની કચેરીએ નાગરિકો હલ્લાબોલ કરી પોતાની વ્યથા ઠાલવવા પહોંચી જાય છે. આમ છતાં પાલિકા તંત્ર લોકોની ફરિયાદો દૂર કરવા માટે અસમર્થ હોય તેવું સ્પષ્ટ થઈ રહ્યું છે. મોરબીના આલાપ રોડ સ્થિત આવેલી પટેલ નગર અને ન્યુ આલાપ સોસાયટીના સ્થાનિકોએ પણ તેઓનો બળાપો વ્યક્ત કર્યો છે.

- text

મોરબી નગરપાલિકાને લખેલા એક પત્રમાં આ બે સોસાયટીના સ્થાનિકોએ પોતાની વ્યથા વર્ણવતા જણાવ્યું છે કે, સોસાયટીના નિર્માણ સમયે જે રોડ રસ્તાઓ નિયમ મુજબ બનાવેલા તેમાં દબાણ થઈને આડેધડ બાંધકામો ખડકાઈ ગયા છે. ભારે વાહનોની અવર-જવર વધુ રહેવાથી બાકી બચેલા રોડ પર અનેક જગ્યાએ ગાબડાઓ પડી ગયા છે. પાણી પુરવઠા બોર્ડ દ્વારા પાણીની લાઈન નાખીને જે રોડનું પુરાણ કર્યું છે તે બેસી ગયું છે. આ સોસાયટીમાં 40 ટકા જેટલી સ્ટ્રીટલાઈટો બંધ હાલતમાં છે. વળી ધોળા દિવસે પણ સ્ટ્રીટલાઈટો ચાલુ રહે છે જેનાથી તંત્રને પણ મોટું નુકશાન થઈ રહ્યું છે. બાંધકામ કર્યા વગરના અમુક પ્લોટો ખાલી પડ્યા છે જેમાં વરસાદી પાણી ભરાતા માખી મચ્છરનો ઉપદ્રવ વધી ગયો છે. સોસાયટીના કોમન પ્લોટમાં ઝાડી-ઝાંખરા ઊગી નિકળવાથી ત્યાં ગંદકી ફેલાઈ રહી છે ઉપરાંત આ પ્લોટમાં આખલા અને ભૂંડનો ઉપદ્રવ વધી જતાં સ્થાનીકો ભયના ઓથાર હેઠળ રહેવા મજબુર બન્યા છે.

ઉપરોક્ત સમસ્યાઓ બાબતે સ્થાનિકો વતી નરશીભાઈ મોહનભાઇ કાંજીયાએ પાલિકામાં રજુઆત કરી છે. જેનો સત્વરે ઉકેલ લાવવાની માંગણી કરાઈ છે.

- text