સરવડ ખાતે સગર્ભા મહિલાઓને દવાયુક્ત મચ્છરદાનીનું જીલ્લા પંચાયત પ્રમુખના હસ્તે વિતરણ

માળીયા : માળીયા તાલુકા હેલ્થ ઓફિસ દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-સરવડ ખાતે જીલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા દ્વારા તેમજ ધનજીભાઈ સરડવા માળીયા તાલુકા પંચાયત સદસ્ય દ્વારા સગર્ભા બહેનોને દવાયુક્ત મચ્છરદાનીનું વિતરણ કરવામાં આવ્યું હતું.જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરવડ ના મેડિકલ ઑફિસર યુ.બી.મંડલ તેમજ પ્રા.આ.કેન્દ્ર ની ટીમ દ્વારા તમામ વ્યવસ્થા કરવામાં આવેલ હતી. આ તકે તમામ સ્ટાફ દ્વારા દરેક બહેનોને આરોગ્યને લગતી સેવાઓ અને યોજનાઓ વિષે માહિતગાર કરવામાં આવી હતી. તેમજ હાલ ચોમાસું ચાલુ હોય મચ્છરજન્ય રોગચાળો ના ફેલાય તે માટે સમજણ આપવામાં આવી હતી

માળીયા તાલુકા હેલ્થ ઓફીસમાંથી ઉપસ્થિત તાલુકા હેલ્થ ઓફીસર ડૉ. ડી.જી.બાવરવા તથા તાલુકા સુપરવાઇઝર નરેશ પરમાર અને પ્રા. આ.કેન્દ્ર સુપરવાઇઝર મુકેશ પરમાર અને કોમ્પ્યુટર ઓપરેટર પંકજ પીઠળીયા દ્વારા તમામ સગર્ભા બહેનો તેમજ ઉપસ્થિત તમામ ગ્રામજનોને આરોગ્યની સેવાનો લાભ લેવાની સલાહ આપવામાં આવી હતી અને ખાસ કોંગો ફીવર વિશે સમજણ આપી જાગૃત કરવામાં આવ્યા હતા.