મોરબી શહેરની દુર્દશા માટે બન્ને પક્ષો જવાબદાર : તમામ સભ્યોના રાજીનામાની આપની માંગણી

તમામ સદસ્યોને રાજીનામાં આપી મોરબીની સ્થિતિ સુધારવા આમ આદમી પાર્ટીને મોરબી પાલિકાની કમાન સોંપી દેવા પડકાર ફેંક્યો : ૧૫ માસમાં મોરબીની સ્થિતિ ન સુધરે તો ચૂંટણી ન લડવાનું પણ આહવાન કર્યું

મોરબી : મોરબીમાં આમ આદમી પાર્ટી દ્વારા શહેરના વિવિધ પ્રશ્ને પાલિકા તંત્ર સામે લડત ચલાવવામાં આવી રહી છે. તેમ છતાં પણ પાલિકા તંત્ર મચક આપતું ન હોવાથી આપ દ્વારા સમયાંતરે આદોલન કરવામાં આવી રહ્યા છે. આ આંદોલનના ભાગરૂપે આજે આપ દ્વારા પ્રજાના પ્રશ્ને નિષ્ફળ રહેતા મોરબી શહેરની દુર્દશા માટે બન્ને પક્ષો જવાબદાર હોવાનું જણાવીને મોરબી પાલિકાના સદસ્યોના રાજીનામાની માંગ કરવામાં આવી હતી.

આમ આદમી પાર્ટીના હોદેદારોએ આક્રોશ સાથે પાલિકાના સદસ્યોને સબોધીને જણાવ્યું હતું કે,છેલ્લી મોરબી નગરપાલિકા ચૂંટણી બાદ મોરબી નગરપાલિકા સદસ્યોને ચાર વર્ષ પૂર્ણ થવામાં આવશે ત્યારે મોરબીના પ્રજાજનોને પ્રાથમિક સુવિધા આપવામાં તમામ સદસ્યો તદ્દન નિષ્ફળ નિવડયા છે. રસ્તા, પાણી, સ્ટ્રીટ લાઈટ, સફાઈ, ભૂગર્ભ ગટર, વરસાદી પાણીનો નિકાલ, રઝળતા ઢોરનો પ્રશ્ન જેવી અનેક સમસ્યાઓથી મોરબી શહેરની હાલત દિન પ્રતિદિન ખરાબ થઈ રહી છે. મોરબી પ્રજાજનો સદસ્યોની સેવાથી થાકી ગયા છે. મોરબીમાં અસંખ્ય પ્રશ્નો વર્ષોથી એમના એમજ રહ્યા છે.સદસ્યો દ્વારા તેને ઉકેલવાની પણ તસ્દી લેવામાં આવી નથી. જાગૃત નાગરિકો સદસ્યોને રજૂઆતો કરી થાકી ગયા છે.હવે જાતે મોરબી નગરપાલિકાના કામો કરવા લાગ્યા છે ત્યારે હવે આ પ્રજા પ્રતિનિધિની મોરબી જનોને જરૂર નથી. કેમ કે મોરબીના પ્રશ્નો ને ઉકેલવા માટે ૫૨ (બાવન) માંથી એક પણ સદસ્યની ઈચ્છા શક્તિ નથી લાગી રહી તો મહેરબાની કરી પ્રજાહિત માટે આપ મોરબી નગરપાલિકા સદસ્ય પદેથી રાજીનામુ આપી પ્રજાહિત ની વાતો કરવાની જગ્યાએ ફક્ત આપની પાર્ટી દ્વારા સૂચવવામાં આવતી રાજનીતિમાં સમય આપો.

જો સદસ્યો એવું માનતા હોય કે મોરબીના પ્રશ્નો બહુ વિકટ છે તો આપ તમામ ૫૨(બાવન) સદસ્યો લેખિતમાં આમ આદમી પાર્ટીની સમિતિને મોરબી નગરપાલિકાની કમાન સોંપી જુવો બાકી બચેલ ૧૨ થી ૧૫ માસમાં જો મોરબી નગરપાલિકાની અને મોરબી શહેર ને નવી ઓળખ ના આપી દઈ તો આવનારી મોરબી નગરપાલિકા ૨૦૨૦ ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો એક પણ સદસ્ય આપની પાર્ટી સામે ચૂંટણી નહીં લડે તેવું જણાવ્યું છે.સદસ્યોના કામોથી મોરબી શહેરની પ્રજા ત્રાસી ગઈ છે ત્યારે છેલ્લા ચાર-પાંચ માસથી જાગૃત નાગરિકો અને આમ આમ આદમી પાર્ટી પ્રજાહિત માટે લડી રહી છે ત્યારે સદસ્યોની પાર્ટી દ્વારા હવે ચૂંટણી નજીક આવતા તેમની પાર્ટીને વોટ બેન્ક માં નુકસાની દેખાતા આટલા વર્ષો બાદ પ્રજાની યાદ આવી હોય તેમ આવેદનો અને અન્ય કાર્યક્રમો શરૂ કરી પ્રજા સામે પ્રજાહિત ના નાટકો શરૂ કર્યા છે. પ્રજા હવે જાગૃત થઇ ગઇ છે એ જોતાં આભાર માની સદસ્યોએ મોરબી પ્રજાજનોની બહુ સેવા કરી લીધી તેમ જનવી હવે આરામ કરો અને મોરબી નગરપાલિકાનો વહીવટ મોરબી જિલ્લા કલેકટર અથવા આપ ની સમિતિ ને સોપો તેવી માંગ કરી છે.