મોરબીમાં તસ્કરોનો તરખાટ : જેતપર ગામે એક સાથે પાંચ દુકાનોના તાળા તોડ્યા

- text


મોરબી : મોરબી તાલુકાના જેતપર ગામે ગતરાત્રે તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો અને ગામની એક સાથે પાંચ દુકાનોના શટર ઉચકાવીને હાથફેરો કર્યો હતો. જોકે આ દુકાનોમાંથી પરચુરણ રકમની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું છે. કોઈ મોટી માલમતાની ચોરી ન થતા પોલીસ ફરિયાદ નોંધવાનું ટાળ્યું છે. આ બનાવની મોરબીના જેતપર ગામે રહેતા લોકો પાસેથી મળતી વિગતો અનુસાર ગતરાત્રે તસ્કરો જેતપર ગામે ત્રાટકયા હતા.અને તસ્કરોએ પાંચ દુકાનોના તાળા તોડ્યા હતા.જેમાં પાન-માવા, કાપડ,બુટ ચપલ્લની દુકાનોને નિશાન બનાવી હતી.જોકે પાન માવા અને એગ્રોની દુકાનમાંથી પરચુરણ વસ્તુઓની તસ્કરો ચોરી કરી ગયા હતા.જ્યારે કાપડ અને બુટ ચપલ્લની દુકાનમાં ખાતર પડવાની તસ્કરોની કારી ફાવી ન હતી.એક બે દુકાનોમાં પરચુરણ વસ્તુઓની ચોરી થઈ અને મોટી માલમતાની ચોરી ન થતા દુકાન માલિકોએ ફરિયાદ નોંધાવનું ટાળ્યું છે.પણ એકીસાથે પાંચ દુકાનોના તાળા તૂટતા ગ્રામજનોમાં ભારે રોષ વ્યાપી ગયો હતો અને પોલીસના કહેવાતા નાઈટ પેટ્રોલીગ સામે પણ સવાલો ઉઠાવ્યા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે, ગ્રામ્ય વિસ્તારોમાં અવાર નવાર નાની મોટી ચોરીના બનાવો બનતા હોય અને મોટી ચોરીના બનાવો બન્યા બાદ પોલીસ રાબેતા મુજબ જ કામગીરી કરતું હોવાથી તસ્કરોનો તરખાટ યથાવત રહ્યો છે.તેથી પોલીસ નક્કર કાર્યવાહી કરીને ચોરીના બનાવો બનતા અટકાવે તેવી માંગ ઉઠી છે.

- text