મોરબીમાં સમસ્યાનો નિવેડો ન આવતા હવે ભાજપ સોમવારે પાલિકા કચેરીની તાળાબંધી કરશે

- text


પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા પાલિકા સામે સોમવારે મોરચો માંડશે

મોરબી : મોરબી માળીયા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયાની ઉપસ્થિતિમાં મોરબી શહેર ભાજપના હોદ્દેદારો તથા મોરબી નગરપાલિકાના ભાજપના કાઉન્સિલરોની એક મિટિંગનું આયોજન ઉમા ટાઉનશીપ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં મોરબીમાં વ્યાપ્ત આરોગ્ય, રોડ-રસ્તાની ખસતા હાલત, સ્વચ્છતાનો અભાવ અને ઠેર ઠેર ઉભરાતી ગટરોની સમસ્યાનો નિવેડો ન આવતા આગામી સોમવારે રેલી-સરઘસ રૂપે પાલિકા કચેરીએ ઘસી જઈ કચેરીને તાળાબંધી કરશે તેવી જાહેરાત કરતા ઉત્તેજના વ્યાપી ગઈ છે.

- text

મોરબી શહેરની જનતાને પ્રાથમિક અને આવશ્યક સેવા સુવિધા આપવામાં મોરબી નગરપાલિકાના કોંગ્રેસના શાશકો તદ્દન નિષ્ફળ નીવડ્યા છે ત્યારે મોરબી શહેરમા રોડ-રસ્તા, ભૂગર્ભ ગટરના તથા વરસાદી પાણીના નિકાલની સુચારુ વ્યવસ્થા, બંધ સ્ટ્રીટ લાઈટ, રઝળતા પશુઓ, ગંદકી અને ઉકરડાઓની સફાઈ, ગટરના પાણી પીવા માટે વિતરિત કરતી પાઇપ લાઈનમાં ભળી જવા જેવી વિકરાળ સમસ્યાઓનો ઉકેલ આગામી ૭૨ કલાકમાં કરવામાં નહીં આવે તો કાંતિભાઈ અમૃતિયા તથા લાખાભાઈ જારીયાની આગેવાનીમાં મોરબી શહેર ભાજપ સંગઠનના વર્તમાન- પૂર્વ હોદ્દેદારો, મોરબી નગરપાલિકાના વર્તમાન-પૂર્વ કાઉન્સીલરો, આગેવાનો, વેપારીઓ તથા મોરબી નગરપાલિકાના તમામ ૧૩ વૉર્ડના ભાજપના સક્રિય કાર્યકર્તાઓ ઉપરાંત તકલીફોથી ત્રસ્ત એવા મોરબીના પ્રજાજનો દ્વારા તારીખ 09/09/2019ને સોમવારે સવારે 11 કલાકે મોરબી શહેરમાં રેલી-સરઘસ સ્વરૂપે ફરી
મોરબી નગરપાલિકા કચેરીને તાળાબંધી કરી, મોરબી જિલ્લા કલેક્ટરને પાલિકાની ચાવી સોપવાનો કાર્યક્રમ યોજવાની જાહેરાત કરતા તંત્ર સતર્ક બન્યું છે.

આ રેલી-સરઘસમાં મોરબી નગરપાલિકાના અણઘડ વહીવટકર્તાઓ-નિષ્ફળ વર્તમાન શાશકોના રાજીનામાના ઉગ્ર સૂત્રચારો કરી બાદમાં કલેકટરને આવેદન આપી મોરબીવાસીઓની લાગણી અને માંગણીની રજુઆત કરવામાં આવશે.

- text