મોરબી બાયપાસ પર આરટીઓ પાસેનો પુલ વધુ જોખમી બન્યો

- text


પહેલાથી જર્જરિત રહેલો પુલ વરસાદમાં વધુ ખંડિત થતા વાહન ચાલકોની સલામતી પર મોટું જોખમ : વહેલી તકે પુલના યોગ્ય સમારકામ કરવાની માંગ

મોરબી : મોરબી બાયપાસ પર આરટીઓ કચેરી પાસે આવેલ પુલ ઘણા સમય પહેલા જર્જરિત થઈ ગયો હતો.ત્યારે પહેલેથી જ જર્જરિત રહેલો આ પુલ થોડા સમય પહેલા પડેલા ભારે વરસાદમાં વધુ જોખમી બની ગયો છે.હાલમાં પણ વરસાદ પડતો હોવાથી એટલી હદે ખડીત થઈ ગયો છે કે, આ પુલ પર ગમે ત્યારે મોટી દુર્ઘટના થવાનો દહેશત છે.આથી જવાબદાર તંત્ર વહેલી તકે આ પુલનું યોગ્ય સમારકામ કરે તેવી લોકમાંગ પ્રબળ બની છે.

મોરબીમાં વરસાદી માહોલને પગલે લોકોને અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે. મોરબી શહેર ઉપરાંત અન્ય અનેક જગ્યા ઉપર અકસ્માત સર્જે તેવા ખાડાઓ પડી ગયા છે. જેમાં મોરબીના બાયપાસ પર આર.ટી.ઓ કચેરી પાસે આવેલ સાંકડો પુલ એકદમ જર્જરિત અને જોખમી બની જતા પસાર થતા લોકોને પારાવાર સમસ્યાનો સામનો કરવો પડે છે. પુલમાં અનેક જગ્યા ઉપર મસમોટા ગાબડા અને લોખંડના સળીયા દેખાવા લાગ્યા છે. જેના કારણે વાહન પરિવહન પર માઠી અસર સર્જાઈ છે. સાંજના સમયે અવારનવાર ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે.

- text

આ પુલ પરથી જો કોઈ વાહન ચાલક ઉતાવળે વાહન ચલાવે તો ગાબડાથી અકસ્માત થવાની પૂરેપુરી ભીતિ રહે છે. પુલની આ જોખમી સ્થિતિમાં જવાબદાર માર્ગ અને મકાન વિભાગની બેદરકારી કારણભૂત છે. પુલની યોગ્ય મરામત ન કરતા આજે આ પુલની એકદમ ખરાબ અવદશા થઈ ગઈ છે. અને ગમે ત્યારે મોટી આફત આવે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. વરસાદ બાદ તંત્ર દ્વારા આ જોખમી પુલની યોગ્ય રીતે મરામત કરવાને બદલે થુંકના સાંધા કરતા વરસાદ આવતા એ સાંધા ધોવાઈ ગયા છે. ત્યારે પુલની ગંભીર સ્થિતિ હોવાથી લોકો દ્વારા કોઈ અકસ્માતનો ભોગ ન બને તે પહેલા તંત્ર વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ ઉઠાવી છે.

- text