ટંકારાની એમ. પી. દોશી શાળા દ્વારા શિક્ષક દિનની ભવ્ય ઉજવણી

- text


ટંકારા : ટંકારામાં આજે શ્રી એમ. પી. દોશી વિદ્યાલયમાં શિક્ષક દિન નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાના વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. શિક્ષક દિન ઉજવણી અંતર્ગત શાળાના અંદાજે 60થી વધુ વિદયાર્થીઓએ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષકની ભૂમિકા ભજવીને જુદા જુદા વિષયો અન્ય વિદ્યાર્થીઓને ભણાવીને શિક્ષણ કાર્ય કરવામાં આવ્યું હતું. જેમાં ધો. 12ના વિદ્યાર્થી લાટી દર્શને આચાર્ય તરીકેની ભૂમિકા સુપેરે નિભાવી હતી. તેમજ સોલંકી માનસી, વર્મા ગજેન્દ્ર, ગોસ્વામી હાર્દિકગીરી સહિતના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર પોતાની ભૂમિકા નિભાવી હતી. આ ઉપરાંત, રિશેસ સમય દરમિયાન વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ સાથે મળી ભેળ બનાવી નાસ્તાની મોજ માણી હતી. ઉજવણીના અંતે સૌ દ્વારા પ્રાર્થના ખંડમાં એકઠાં થઈને સમૂહ પ્રાથના કરવામાં આવી હતી. ત્યારબાદ જે વિદ્યાર્થીઓ આજ દિન પૂરતા શિક્ષક, આચાર્ય કે કર્મચારી બન્યા હતા તેમજ અન્ય વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષક દિનની ઉજવણીના અભિપ્રાયો તથા અનુભવો રજૂ કરવામાં આવ્યા હતાં. ત્યારબાદ શાળાના શિક્ષક અશ્વિનભાઈ આંબલીયાએ પ્રવચન આપી વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે ટંકારા એજ્યુકેશન સોસાયટીના સભ્ય ચંદ્રકાંતભાઈ કટારિયાએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો.

- text