મચ્છુ 2 ડેમના 3 દરવાજા દોઢ ફૂટ ખુલ્લા : મચ્છુ 1ની સપાટીમાં સામાન્ય વધારો

- text


મોરબી : મોરબી જિલ્લામાં છેલ્લા 24 કલાકથી વરસાદ શરુ થવાના કારણે જિલ્લાના ડેમોમાં પાણીની આવકમાં સામાન્ય વધારો નોંધાયો છે. જેમાં મોરબીના મહાકાય મચ્છુ 2 ડેમમાં 2900 ક્યુસેક જેટલી આવક હોવાથી હાલ ડેમના 3 દરવાજા દોઢ ફૂટ ખુલ્લા રાખવામાં આવ્યા છે. જયારે વાંકાનેરના મચ્છુ 1 અને ટંકારાના ડેમોમાં પણ પાણીની આવકમાં સામાન્ય વધારો જોવા મળ્યો છે.

- text

મોરબી જિલ્લામાં અગાવ આવેલા વરસાદના પ્રથમ તોફાની રાઉન્ડમાં જિલ્લાના મોટાભાગના ડેમો ઓવરફ્લો થઇ ગયા હતા. ત્યારે છેલ્લા 24 કલાકથી શરુ થયેલા વરસાદના બીજા રાઉન્ડમાં અડધાથી 2 ઈંચ જેટલો વરસાદ જિલ્લામાં પડતા ડેમોમાં પાણીની આવકમાં સામાન્ય વધારો નોંધાયો છે. જેમાં મોરબીની જીવાદોરી સમાન મહાકાય મચ્છુ 2 ડેમમાં હાલ 2900 ક્યુસેક જેટલી પાણીની આવક નોંધાતા ડેમના 3 દરવાજા દોઢ ફૂટ ખોલી તેટલું જ પાણી છોડવામાં આવી રહ્યું છે. જયારે વાંકાનેરના ઉપરવાસમાં સારા વરસાદના પગલે મચ્છુ 1માં પાણીની સપાટી વધતા તેનું પાણી મચ્છુ 2 ડેમમાં આવતા હજુ મચ્છુ 2માં પાણી આવક વધવાની શક્યતા ડેમના અધિકારીઓ દ્વારા દર્શાવાઈ છે. જયારે ટંકારાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારા વરસાદના પગલે ટંકારા તાલુકાના ડેમોમાં પાણીની આવકમાં વધારો નોંધાયો છે.

 

- text