શિક્ષક દિને મુખ્યમંત્રી નિવાસસ્થાને ‘મનની મોકળાશ’ કાર્યક્રમમાં મોરબીના 2 શિક્ષકોની પસંદગી

- text


મોરબી : શિક્ષક દિન નિમિત્તે મુખ્યમંત્રી નિવાસ ગાંધીનગર ખાતે રાજ્યભરમાંથી ઉત્તમ કામગીરી કરનાર કુલ 95 શિક્ષકો મુખ્યમંત્રી સાથે વિચારગોષ્ઠિ કરશે. આ માટે પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં વિશિષ્ટ કામગીરી કરનાર શિક્ષકોને મુખ્યમંત્રીએ એમના નિવાસસ્થાને રૂબરૂ મળવાનું આમંત્રણ આપ્યું છે. જેમાં મોરબીના બે શિક્ષકોની પસંદગી થતા મોરબી શિક્ષણ જગતમાં હર્ષની લાગણી ફેલાઇ છે.

શિક્ષક દિવસ નિમિત્તે રાજ્યમાં પ્રાથમિક, માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ ક્ષેત્રમાં વિશિષ્ટ પ્રદાન બદલ પસંદગી પામેલા 95 શિક્ષકોને આધિકારીક રીતે મુખ્યમંત્રીના ગાંધીનગર સ્થિત નિવસ્થાને આમંત્રણવામાં આવ્યા છે. જ્યાં શિક્ષકોએ કરેલી પ્રશંસનીય કામગીરીની વિગતો લઈ મુખ્યમંત્રી તેઓને બિરદાવશે તેમજ શિક્ષકો દ્વારા શિક્ષણ જગતના ભવિષ્ય માટેના તેઓના વિઝનની જાણકારી મેળવી તે અંગે ચર્ચા કરશે.

- text

આ શિક્ષકો મુખ્યમંત્રીના મહેમાન હોવાથી, તેમને નિવાસસ્થાનેથી એસ્કોર્ટ કાર સાથે લાવવા લઈ જવાની વ્યવસ્થા કરાઈ છે. ખાસ અધિકારોના લાયઝનીંગમાં મુખ્યમંત્રી નિવાસે તમામ શિક્ષકોની સાથે મુખ્યમંત્રી ચર્ચા કરશે. નોંધનીય છે કે શિક્ષક દિને પ્રથમવાર આ રીતે શ્રેષ્ઠ શિક્ષકોને ખુદ મુખ્યમંત્રી નિવસ્થાને આમંત્રિત કરાયા છે. આ માટે સારી કામગીરીને જ માપદંડ બનાવી સમગ્ર રાજ્યમાંથી બહુમુખી પ્રતિભા ધરાવતા શિક્ષકોની પસંદગી કરાઈ છે.

ત્યારે મોરબીની “શાંતિવન પ્રાથમિક શાળા”ના આચાર્ય મનન બુદ્ધદેવ અને ડીજેપી કન્યા વિદ્યાલયના અંજનાબેન કાટાણીયાની પસંદગી આ માટે થતા મોરબીના શિક્ષણ જગતમાં હર્ષ તેમજ ઉત્સાહની લાગણી ફેલાઇ છે. પાછલા 12 વર્ષથી શિક્ષણ ક્ષેત્રે કાર્યરત એવા મનન બુધ્ધદેવે શિક્ષણક્ષેત્રે કરેલા પ્રદાન બદલ તેમની પસંદગી કરાઈ છે. ખાસ કરીને પાઠ્યપુસ્તક લેખન, તાલીમ સાહિત્ય નિર્માણ, ઇનોવેશન, સુંદર શાળા નિર્માણ, રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ તજજ્ઞ તરીકે સેવા, ટેકનોલોજીના માધ્યમથી શિક્ષણ, લોકસહકાર, રાજ્યની પ્રતિષ્ઠિત શિક્ષણ સંસ્થાઓમાં યોગદાન વગેરે જેવી બાબતોમાં પ્રશંસનીય કામગીરી કરનાર મનનભાઇની પસંદગી થતા ચોમેરથી તેમના પર શુભેચ્છાઓ વરસી રહી છે.

- text