મોરબી : કાર પાછી લેવા મામલે યુવાનને માર મારી કારમાં તોડફોડ કરી

મોરબી : મોરબીના શનાળા બાયપાસ રોડ પર બે કાર સામસામે આવી ગયા બાદ કાર પાછી લેવા મામલે ઝઘડો થતા ઉશ્કેરાયેલા ત્રણ શખ્સોએ યુવાનને માર મારી તેની કારમાં તોડફોડ કરી હોવાની ફરિયાદ નોંધાઇ છે. પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના વાવડી રોડ ઉપર આવેલ મિલન પાર્ક સોસાયટીમાં રહેતા અલ્તાફભાઈ ઈંદ્રિશભાઈ જેડાએ મોન્ટુ પલ્લવભાઈ રાવલ, જયસુખભાઈ મિયાત્રા અને એક અજાણ્યો શખ્સ સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી કે,ગઈકાલે તેઓ પોતાની જી.જે.36 એલ.7770 નંબરની કારમાં મોરબીના શનાળા રોડ ભક્તિનગર સર્કલ પાસેની હોટલમાં જમીને આવતી વખતે પોતાની કાર આગળ લેતા આરોપીઓ પોતાની કારમાં સામે આવ્યા હતા. ત્યારે કારને પાછી લેવા બાબતે બોલાચાલી થવાથી ઉશ્કેરાયેલા ત્રણેય આરોપીઓ ફરિયાદીને ગાળો આપી ઢીકાપાટુનો માર મારીને તેમની કારના પથ્થર વડે કાચ તોડીને નુકશાન કર્યું હતું. આ અંગે યુવાને ફરિયાદ નોંધાવતા એ ડિવિઝન પોલીસે ત્રણ આરોપીઓ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.