માળીયા નજીક ટ્રક, કાર અને બાઇક વચ્ચે ત્રિપલ અકસ્માત

માળીયા : માળીયા મિયાણા નજીક ગઈકાલે એક ટ્રેઇલર, કાર અને બાઇક વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં બેથી ત્રણ વ્યક્તિઓને ઇજા પહોંચી હતી.

આ ઘટનાની માળીયા પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર માળીયા તાલુકાના સોનગઢ ગામે રહેતા રણજીતભાઈ નરસંગભાઈ વિરડાએ માળીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, તેઓ ગઈકાલે જન્માષ્ટમીના દિવસે રાત્રીના 10 વાગ્યાની આસપાસ કોઈ કામસર પોતાની જી. જે.36 એફ 7270 નંબરની કાર લઈને મોટા દહીંસરા અને પીપળીયા ચાર રસ્તા વચ્ચે આવેલ ટ્રાન્સપોર્ટની ઓફિસ નજીક રોડ ઉપર પસાર થતા હતા.તે સમયે પુરપાટ ઝડપે આવતા આર.જે.27 જી.એ.5454 નંબરના ટ્રેઇલર ચાલકે તેમની કારને ઠોકરે લઈને બાજુના પસાર થતા એક મોટર સાયકલને હડફેટે લેતા ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર ચાલક સહિત બે થી ત્રણ વ્યક્તિને ઇજા પહોંચી હતી. માળીયા પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.