મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ આયોજિત ક્રિષ્ના મેળામા રાત્રે મટકીફોડનો ભવ્ય કાર્યક્રમ યોજાશે

- text


મટકી ફોડ્યા બાદ રાસ ગરબે ઝૂમીને ભગવાન શ્રી કૃષ્ણના જન્મના વધામણા કરાશે

મોરબી : મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ આયોજિત ક્રિષ્ના મેળામા આજે રાત્રે જન્માષ્ટમીની ભાવભેર ધામધૂમથી ઉજવણી કરવામાં આવનાર છે. જેમાં મટકીફોડનો જાજરમાન કાર્યક્રમ યોજાશે. ત્યારબાદ રાસ ગરબાનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં લોકો રાસ ગરબે ઝૂમીને ભગવાન શ્રી કૃષ્ણના જન્મને વધાવશે.

મોરબીમાં સામાજિક સ્તરેથી વિવિધ કાર્યક્રમો થકી અવિરતપણે દેશભાવનાને ઉજાગર રાખવાનો સક્રિય પ્રયાસ કરતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા શહેરીજનો તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો જન્માષ્ટમી નિમિતે એકદમ સુરક્ષિત વાતાવરણમાં અને નિઃશુલ્ક પ્રવેશ સાથે મેળાનો ભરપૂર આનંદ ઉઠાવી શકે તે માટે સતત 11માં વર્ષે શહેરના કંડલા બાયપાસ પાસે કામધેનુ પાર્ટી પ્લોટ નજીક આવેલ વિશાળ મેદાનમાં ક્રિષ્ના ઉત્સવ મેળા નામના જાહેર લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શીતળા સાતમના દિવસે યંગ ઇન્ડિયા ગ્રુપની પરંપરા અનુસાર સર્વધર્મની બાળાઓના વરદ હસ્તે ઉદ્ધઘાટન કરીને શુભારંભ કરવામાં આવ્યો હતો. એ સાથે મોટી સંખ્યામાં લોકો મેળો મહાલવા ઉમટી પડ્યા હતા અને મેળાની મનભરીને મોજ માણી હતી.

- text

આ મેળામાં આજ રોજ જન્માષ્ટમી નિમિતે યંગ ઈન્ડિયા ગ્રૂપના પ્રમુખ દેવેનભાઈ રબારીના માર્ગદર્શન હેઠળ રાત્રે 12 કલાકે મટકીફોડનો કાર્યક્રમ યોજાનાર છે. જેમાં મટકી ફોડ્યા બાદ રાસગરબા પણ યોજાશે. આ કાર્યક્રમમા ઉપસ્થિત રહીને ભગવાન શ્રી કૃષ્ણના જન્મને વધાવવા યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text