સાતમ આઠમ પર પરિવાર, મિત્રો સાથે રમાતો અને કાયમી રમાતા જુગાર અલગ છે !!

- text


જુગાર રમવો કાયદાકીય રીતે ગેસકાયદે જ છે..પણ સાતમ આઠમ ઉપર જુગારીઓ પરની ધોસ દરમિયાન પોલીસે જુગારનો હેતુ પણ જોવો જોઈએ ?

(દિલીપ બરાસરા)
મોરબી : હાલ મોરબી જિલ્લામાં દિવસ દરમિયાન બે થી ત્રણ સમાચાર તો આવે જ કે ફલાણી જગ્યાએ જુગાર રમતા આટલા ઝડપાયા. જોકે આ દર વર્ષનો ઘટનાક્રમ છે. શ્રાવણ માસમાં જુગાર રમવા વાળાની સંખ્યા અને રમતા પકડાયાની સંખ્યામાં જબરો ઉછાળો આવે છે. ત્યારે એક ચર્ચા થઇ રહી છે કે સાતમ આઠમ પર પરિવાર, મિત્રો સાથે રમાતો અને કાયમી રમાતા જુગાર અલગ છે ?? સાતમ આઠમ પર વર્ષોની આનંદ પ્રમોદ માટે પરિવાર અને મિત્રો સાથે જુગાર રમવો અને કાયમી ધંધાદારી જુગારના હેતુઓ અલગ છે તો શું પોલીસે સાતમ આઠમ ઉપર જુગારીઓ પરની ધોસ દરમિયાન જુગારનો હેતુ પણ જોવો જોઈએ ?

જુગારની વાત કરીએ તો કોઈ પણ રકમ કે વસ્તુની હાર જીતના હેતુથી જુગાર રમવો એ કાયદાકીય રીતે અપરાધ છે. અને આ માટે કાયદામાં સજાની પણ જોગવાઈ છે. પરંતુ આપણાં સૌરાષ્ટ્રમાં જુગારના બે પ્રકાર પડે છે. એક કાયમી ધંધાદારી રીતે હારજીત માટે જ રમાતો જુગાર અને બીજો ખાસ કરીને આપણાં કાઠીયાવાડમાં (સૌરાષ્ટ્રમાં) રમાતો સાતમ આઠમનો જુગાર. આ જુગારની વાત કરીએ તો આપણાં સૌરાષ્ટ્રમાં શ્રાવણ માસ અને સાતમ આઠમના તહેવારનો કાંઈક અલગ જ માહોલ હોય છે. એમાં પણ સાતમ આઠમ તહેવાર એટલે આપણાં સૌરાષ્ટ્રમાં જાણે મીની દિવાળી. સતત ચાર દિવસની લાંબી રજા, મેળાઓની મોજ અને સાથે વર્ષોથી વણલખાયેલી જુગાર રમવાની પરંપરા.

- text

સૌરાષ્ટ્રમાં અમુક વિસ્તારોમાં તો શ્રાવણ માસની શરૂઆતથી જુગાર રમવાનું શરૂ થઈ જાઇ અને સાતમ આઠમમાં તો લગભગ દરેક ઘરે, મોહલ્લામાં જુગાર રમાતો થઈ જાય એમ કહીએ તો પણ કાઈ ખોટું નથી. અને આ જુગારમાં ઘરના તમામ સભ્યો યુવાનો, મહિલાઓ, વડીલો અને મિત્રો પણ જોડાઈ. અને એક પારિવારિક માહોલમાં 5 – 10 રૂપિયાના પ્રતીકાત્મક જુગાર રમાય. અને આ વર્ષોથી ચાલી આવતી પરંપરા છે. પણ જુગાર રમવો એ કાયદાકીય રીતે ગેરકાયદેસર હોવાથી આ સમયમાં પોલીસની ધોસ પણ વધી જતી હોય છે. અને આ સમયમાં જુગાર રમતા લોકો પકડવાની સંખ્યામાં પણ નોંધ પાત્ર વધારો થાય છે.

ત્યારે સવાલ છે કે આપણા સૌરાષ્ટ્રમાં સાતમ આઠમમાં રમતો પારિવારિક અને મિત્રો સાથે રજાના ટાઈમ પાસ અને આનંદ પ્રમોદ માટે પ્રતીકાત્મક હારજીતથી રમાતો જુગાર કેટલો વ્યાજબી છે ? શું આ જુગાર રમતા લોકોને પણ ધંધાદારી જુગારી સાથે સરખાવી તેમની સામે પોલીસે કાર્યવાહી કરવી જરૂરી છે ? શું પોલીસે સાતમ આઠમ ઉપર જુગારીઓ પરની ધોસ દરમિયાન જુગારનો હેતુ પણ જોવો જોઈએ ?

મોરબી જિલ્લામાં હાલમાં જુગાર ઉપરની પોલીસની કડક કાર્યવાહીથી લોકોના મનમાં આ સવાલો ઉઠી રહ્યા છે. જોકે આ સવાલોના જવાબો અંગે દરેકે લોકોનો અલગ અલગ મત હોય શકે છે. આ ઉપરાંત કોઈ પણ હેતુ માટે જુગાર રમવું એ કાયદાકીય રીતે ગુન્હાને પાત્ર છે અને જુગાર રમવાની પ્રવૃત્તિને સમર્થન આપવું પણ યોગ્ય નથી. ત્યારે સાતમ આઠમ પર પરિવાર, મિત્રો સાથે રમાતો અને કાયમી રમાતા જુગાર અલગ છે !! અને સાતમ આઠમ ઉપર જુગારીઓ પરની ધોસ દરમિયાન પોલીસે જુગારનો હેતુ પણ જોવો જોઈએ !! આ મુદ્દા પોલીસ ઉપર છોડીએ એ જ યોગ્ય રહેશે.

મોરબી જિલ્લાના દરેક લોકો સાતમ આઠમના તહેવારો શાંતિ, સલામતી અને આનંદદાયક રીતે માણી શકે તેવી શુભકામનાઓ..

- text