માળીયા નજીક 197 બોટલ ઈંગ્લીશ દારૂ ભરેલી કાર સાથે એક ઝડપાયો

માળીયા : સાતમ આઠમના તહેવારો નજીક આવતા બુટલેગરો દારૂની રેલમછેલમ કરવા સક્રિય બન્યા છે આથી પોલીસે દારૂની બળીને કડક હાથે ડામી દેવા ધોસ બોલાવી છે.જેમાં માળીયા પોલીસે આજે બાતમીના આધારે કાજરડા ગામ નજીક વોચ ગોઠવીને ત્યાંથી પસાર થતી 197 બોટલ ઈંગ્લીશ દારૂ ભરેલી કાર સાથે એક શખ્સને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ ઈંગ્લીશ દારૂની રેડની માળીયા પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર જિલ્લા પોલીસ વડા કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ માળીયા પી.એસ.આઇ.જે.ડી.ઝાલાએ દારૂની બદી નાબૂદ કરવાની સૂચના આપતા સ્ટાફના દિવ્યરાજસિંહ જાડેજા, જયદેવસિંહ ઝાલા, તેજપાલસિંહ ઝાલા,રમેશભાઈ રાઠોડ સહિતના માળીયા વિસ્તારમાં વાહન ચેકિંગ કરી રહ્યા હતા.તે સમયે નવજીવન હોટલ પાસે કાજરડા ગામ તરફ જવાના પાટિયા પાસેથી એક દારૂ ભરેલી કાર પસાર થવાની હોવાની બાતમી મળતા માળીયા પોલીસ સ્ટાફે ત્યાં દોડી જઈને વોચ ગોઠવી ત્યાંથી પસાર થતી જી.જે.12 સી.જી.3118 નંબરની સ્વીફ્ટ કારને અટકાવીને તલાશી લેતા કારમાંથી રૂ.59100 કિંમતની 197 ઈંગ્લીશ દારૂની બોટલો મળી આવી હતી.આથી પોલીસે આ દારૂનો જથ્થો, મોબાઈલ ફોન અને સ્વીફ્ટ મળીને કુલ રૂ.1.85 લાખના મુદામાલ સાથે આરોપી અજમલભાઈ હજારીભાઈ ભાટી રહે પાવડાસણ, થરાદ, બનાસકાંઠા વાળાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.