મોરબીની અજંતા કંપનીની 150 મહિલાકર્મીઓ હિમાચલમાં રોડ બ્લોક થવાથી અટવાઈ

- text


3 બસોને સુરક્ષાના કારણે સલામત સ્થળે ઉભી રખાઈ : બધી જ યુવતીઓ સહી સલામત, રસ્તો ખુલે ત્યારે નીકળી શકશે

મોરબી : મોરબીની વિશ્વપ્રસિદ્ધ કલોક મેન્યુફેક્ચરિંગ કંપની અજંતા(ઓરપેટ)ની 150 જેટલી કર્મચારી યુવતીઓ પંજાબ-હિમાચલના પ્રવાસે ટ્રેન મારફતે ગુજરાતથી રવાના થયા બાદ હાલ હિમાચલ-ઉત્તરાખંડ-પંજાબમાં પડી રહેલા ભારે વરસાદને કારણે તૂટી ગયેલા માર્ગોને લઈને અટવાઈ પડી છે. જો કે બધી જ યુવતીઓ સહી-સલામત હોવાની વિગતો સાંપડી રહી છે.

આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ મોરબીની ખ્યાતનામ અજંતા(ઓરપેટ) કંપનીની 150 જેટલી કર્મચારી યુવતીઓ પંજાબ, હિમાચલ સહિતના પર્યટન સ્થળોની મુલાકાતે ટ્રેન મારફત અઠવાડિયા પૂર્વે જવા નીકળી હતી. ટ્રેન મારફતે પંજાબ પહોંચ્યા બાદ ત્યાંથી સ્થાનિક બસ ટૂર ઓપરેટરની 3 બસમાં આ યુવતીઓ
પ્રવાસના આખરી દિવસે કુલ્લુ-મનાલીથી થોડે આગળ જતાં રસ્તો તૂટી જવાને કારણે અટવાઈ પડી હતી. ભારે વરસાદને લઈને રસ્તા પર પહાડ તૂટી પડવાને કારણે રસ્તો બંધ થઈ જતા આ બસો અટવાઈ પડી હતી. જો કે સુરક્ષાના કારણે આ બસો આગળ કે પાછળ જઇ શકે એમ ન હોવાથી ગત રાત્રે એટલે કે રવિવારની રાત્રે જ જ્યાં પહોંચી હતી ત્યાં જ રોકી દેવામાં આવી છે. અલબત્ત અન્ય બધા જ વાહનોને એ સ્થળે રોકી દેવામાં આવ્યા છે.

- text

મળતી માહિતી અનુસાર બધી જ યુવતીઓ સહી-સલામત બસમાં જ છે. રાશનનો પુરવઠો સાથે હોવાથી અન્ય કોઈ સમસ્યા નથી. વળી જે જગ્યાએ બસો ઉભી રખવાઈ છે ત્યાં આજુબાજુ કોઈ જોખમી નદી કે પહાડ પણ ન હોવાની જાણકારી મળી છે. ત્યારે હાલ તો રસ્તો ખુલે એની રાહ જોવાઇ રહી છે. આ યુવતીઓની આજે સોમવારે પંજાબથી ગુજરાત આવવાની ટ્રેનની ટિકિટો હતી. જે ટ્રેન ચુકી જવાથી હવે ગુજરાત આવવાની વૈકલ્પિક વ્યવસ્થાઓ થઈ રહી છે. યુવતીઓના પરિજનોને સબ સલામતના સંદેશાઓ પાઠવી દેવામાં આવ્યા છે. આયોજકો યુવતીઓના સતત સંપર્કમાં છે. તેમજ ત્યાંના સ્થાનિક સત્તાવાળાઓ જેવાકે જિલ્લા કલેકટર અને પો.કમિશનરના પણ સતત સંપર્કમાં છે. આજે રસ્તો ખુલી જવાની શક્યતાઓ વચ્ચે સતત વરસતા વરસાદને લઈને હજી એકાદ દિવસ બસોને તંત્ર તરફથી લીલી ઝંડી ન મળે ત્યાં સુધી ત્યાં જ રોકી રાખવામાં આવશે તેવું આધારભૂત સૂત્રો જણાવી રહ્યા છે.

- text