જાત મેહનત જિંદાબાદ : મોરબીમાં લોકોએ જાતે રોડ પરના 50થી વધુ ખાડા બુર્યા

અગાઉ રવાપર ચોકડીએ ખાડા બુરવાનો સ્વચ્છતા અભિયાન સમિતિ દ્વારા કાર્યક્રમ જાહેર થતા પાલિકાએ ક્ષોભજનક સ્થિતિમાં રાતોરાત ખાડા બુરી નાખ્યા, બાદમાં સમિતિએ અન્ય વિસ્તારના રોડના ખાડા બુર્યા

મોરબી : મોરબીમાં હાલ ઠેર ઠેર રોડ ઉપર ખાડા જોવા મળી રહ્યા છે. ત્યારે સ્વચ્છતા અભિયાન સમિતિએ રવાપર ચોકડી પાસે આજે ખાડા બુરવાનું જાહેર કર્યું હતું. પરંતુ આ વાત પાલિકાના કાને પહોંચતા તેને ક્ષોભજનક સ્થિતિમાં આવતા રાતોરાત આ વિસ્તારમાં ખાડા બુર્યા હતા. બાદમાં આજે સમિતિ દ્વારા અન્ય વિસ્તારમાં 50 થી વધુ ખાડા બુરવામાં આવ્યા હતા.

મોરબીમાં સ્વચ્છતા અભિયાન સમિતિ દ્વારા દર રવિવારે સવારે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવે છે. ત્યારે હાલ શહેરના મોટાભાગના રોડ ઉપર ખાડા હોય વાહનચાલકોની હાલાકી દૂર કરવા માટે આજ રોજ સમિતિએ ખાડા બુરો અભિયાન હાથ ધર્યું હતું. જેમાં સમિતિ દ્વારા રવાપર ચોકડી પાસેના રોડ ઉપર જે ખાડાઓ છે તે બુરવાની ગઈકાલે જાહેરાત કરવામાં આવી હતી. આ વાત પાલિકાના કાને પડતા પોતાની આબરૂ બચાવવા માટે પાલિકાએ રાતોરાત આ ખાડા બુર્યા હતા.

બાદમાં સ્વચ્છતા અભિયાન સમિતિએ રવાપર ચોકડીથી આગળ અવની ચોકડી, વર્ધમાન ચોકડી, ઉમિયા સર્કલ પાસે, જીઆઇડીસીના નાકે અને નવા બસ સ્ટેન્ડ પાસેના વિસ્તારોમાં આવેલા રોડ ઉપરના 50 ખાડા જાતે જ બુર્યા હતા. કુલ 3 ટ્રેકટર ભરીને કપચી, મોરમ સહિતનો માલસામાન આ ખાડા બુરવાના કામમાં ઉપયોગમાં લેવામા આવ્યો હતો. આ કામગીરીમાં સ્વચ્છતા અભિયાન સમિતિના 70થી વધુ લોકો જોડાયા હતા.