મોરબી ગટરના પ્રશ્ને સફાઈ કર્મચારીને માર માર્યાની બે આગેવાનો સામે ફરિયાદ

- text


માધાપર અને મહેન્દ્રપરામા ગટરના પાણી ભરાવા બાબતે થયેલી માથાકુટનો મામલો પોલીસ મથકે પહોંચ્યો

મોરબી : મોરબીના માધાપર અને મહેન્દ્રપરામા ગટરના પાણી ભરાવા બાબતે થયેલી માથાકુટનો મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. જેમાં એક સફાઈ કામદારે બે આગેવાનો સામે મારમારીને જાતિ પ્રત્યે હડધૂત કર્યાની ફરિયાદ નોંધાવી છે.જેના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી પાલિકામાં સેનેટરી વિભાગમાં ઝોન ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવતા રમેશભાઈ પ્રેમજીભાઈ મકવાણા( ઉ.વ. 55)એ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે તેઓ કપિલા ચોક નજીક ચાની કેબિને ઉભા હતા તે વેળાએ અનિલભાઈ હડિયલ અને ધર્મેન્દ્રભાઈ કંઝારિયાએ ત્યાં આવીને ગટરની સફાઈ બાબતે બોલાચાલી કરી હતી. બાદમા અનિલભાઈ હડિયલે થપ્પડ મારીને જાતિ પ્રત્યે અપમાનિત કર્યા હતા. અને ગાળો તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

- text

આ ફરિયાદના આધારે હાલ એ ડિવિઝન પોલીસે બન્ને આગેવાનો સામે એટ્રોસિટીનો ગુનો દાખલ કર્યો છે. આ મામલે ડીવાયએસપી બન્નો જોશી તપાસ ચલાવી રહ્યા છે. ઉલ્લેખનિય છે કે આ જ વિસ્તારમા ગટરના પાણી ભરાતા હોવાના પ્રશ્ને આજે સ્થાનિકોનું રોષે ભરાયેલું ટોળું નગરપાલિકા કચેરીએ પહોંચ્યું હતું અને તેઓએ પાલિકાનો ગેટ બંધ કરીને રોડ ઉપર ચક્કાજામ પણ કર્યો હતો.

- text