મોરબી : સીરામીક ફેકટરીમાંથી મહિલાનો મૃતદેહ મળ્યાના બનાવમાં હત્યાનો ગુનો નોંધાયો

- text


 મૃતક મહિલા સાથે રહેતો શખ્સ બનાવ બાદ લાપતા થઈ જતા તેની સામે હત્યાનો ગુનો નોંધાયો : પોલીસે આરોપીને પકડવા એક ટીમ ભોપાલ રવાના કરી

મોરબી : મોરબીના લખધીરપુર રોડ પર આવેલ સીરામીક ફેકટરીની મજૂરોની ઓરડીમાંથી એક મજુર મહિલાનો થોડા દિવસો પહેલા કોવહાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યા બાદ પોલીસની તપાસમાં આ મહિલાને ગળેટુંપો દઈને હત્યા કર્યાનું ખુલ્યું હતું.આથી બનાવના દિવસથી લાપતા રહેલા મૃતક મહિલા સાથે રહેતા એક શખ્સ સામે પોલીસે હત્યાનો ગુનો નોંધી તેને ઝડપી લેવા પોલીસની એક ટીમ ભોપાલ રવાના કરાઈ છે.

આ હત્યાના બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ થોડા દિવસો પહેલા મોરબીના લખધીર પુર રોડ ઉપર આવેલ સ્માઈલ સીરામીક કારખાનાની એક બંધ મજૂરની ઓરડીમાંથી રાધાબેન નામની શ્રમિક મહિલાનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.તાલુકા પોલીસે આ બનાવનું સાચું કારણ જાણવા મૃતક મહિલાના મૃતદેહને ફોરેન્સીક પીએમ અર્થે રાજકોટ ખસેડાયો હતો.આ પીએમ રિપોર્ટ અને પોલીસની તપાસમાં મૃતક મહિલાને ગળેટુંપો આપીને હત્યા કર્યાનું ખુલ્યું હતું.જયારે આ બનાવ બાદ મૃતક મહિલા સાથે રહેતો સોનુભાઈ નામનો શખ્સ ફરાર છે.આથી પોલીસને એવી શંકા છે કે કોઈ કારણોસર આ શખ્સે મહિલાની હત્યા કરી ઓરડીને બહારથી બંધ કરીને નાસી છૂટ્યો હતો.આથી આ બનાવ હત્યાનું ખુલતા પોલીસે ફરાર શખ્સ સામે હત્યાનો ગુનો નોંધી તેને ઝડપી લેવાની તપાસ હાથ ધરી છે.

- text

આ બનાવ અંગે તાલુકા પીએસઆઇ એમ.વી.પટેલે જણાવ્યું હતું કે , આ હત્યાના બનાવ ઘણી કડીઓ મળતી નથી.જેમાં મૃતક મહિલાનું જે નામ આવ્યું છે તે સાચું છે કે ખોટું તે મુદે અવઢવ છે અને મૃતક સાથે રહેતો અને ફરાર રહેલો શખ્સ તેનો પતિ કે મિત્ર છે એ પણ જાણવા મળ્યું નથી. જોકે આ ફેકટરી સાથે સંકળાયેલા કેટલાક લોકોના નિવેદનો લીધા છે.તેમાં આ બન્ને મધ્ય પ્રદેશના ભોપાલમાંથી છ મહિના પહેલા મોરબી રોજીરોટી અર્થે આવેલા અને આ ફેકટરીમાં થોડા સમય પહેલા મજુરી કામ કરીને ત્યાંજ રહેતા હતા.આરોપી પકડાયા બાદ જ સાચી હકીકતો બહાર આવશે.હાલ આરોપી ભોપાલ તેના વતન નાસી છૂટ્યો હોવાની શક્યતાને પગલે તાલુકા પોલીસની એક ટીમને ત્યાં રવાના કરી છે.

- text