મોરબીમાં વરસાદી પાણીના નિકાલની જગ્યાઓ પર થયેલા દબાણો દૂર કરવાની માંગ

- text


વરસાદી પાણી નિકાલ માટે યોજાયેલી મિટિંગમાં લેવાયેલા નિર્ણય મુજબ કલેક્ટરને ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ એસોસિયેશનના નેજા હેઠળ રજૂઆત કરાઈ

મોરબી : મોરબીમાં ભારે વરસાદના પગલે રવાપર અને કેનાલ રોડ તથા શનાળા ગામ અને રોડની સોસાયટીઓમાં ઘરોમાં પાણી ભરાઈ ગયા જતા. મોરબી શહેરમાં માત્ર 10 ઇંચ વરસાદે પૂરની સ્થિતિ સર્જાઈ હતી. જેના કારણે મોરબીના નગરજનોમાં ભારે રોષની લાગણી વ્યાપી ગઈ હતી. આ બાબતે તાજેતરમાં મોરબીના વિવિધ આગેવાનોની એક મિટિંગ મળી હતી જેમાં પાણી ભરાવાની સમસ્યા માટે વરસાદી પાણીના કુદરતી નિકાલના હોકળા ઉપર થઇ ગયેલા દબાણો કારણભૂત હોવાનું જણાવી આ મુદ્દે તંત્રને ઢંઢોળવાનો નિર્ણય લેવાયો હતો. જે અનુસંધાને મોરબી જિલ્લા કલેક્ટરને ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ એસોસિયેશનના નેજા હેઠળ મોરબીમાં વરસાદી પાણીના નિકાલની જગ્યાઓ પર થયેલ દબાણનું સર્વે દૂર કરવાની માંગ સાથે લેખિત રજૂઆત કરાઈ છે.

આ રજુઆતમાં ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ એસોસિયેશનના સૌરાષ્ટ્રના જનરલ સેક્રેટરી કાંતિલાલ બાવરવાએ જણાવ્યું છે કે તાજેતરમાં મોરબી શહેરમાં વરસાદના પાણીના નિકાલના અભાવે પુરની પરિસ્થતિ થવા પામેલ  હતી.વર્ષો પહેલા મોરબી વિસ્તારમાં વરસાદના પાણીનો નિકાલ જુદા જુદા વોકળાઓ મારફત થતો હતો. પરંતુ હાલમાં આ વોકળાઓ ઉપર દબાણ થવા પામેલ હોવાથી, પાણીનો યોગ્ય નિકાલ થતો નથી. જેના પરિણામે સ્વરૂપ આ પુરની સ્થિતિ પેદા થવા પામેલ હતી. જેના કારણે ઘણી બધી સોસાયટીઓમાં લોકોના ઘરમાં પાણી ઘુસેલ હતા અને ઘણી મોટી નુકશાની ભોગવવી પડેલ છે.

- text

જો આ બાબતે અત્યારથી યોગ્ય વિચારણા કરવામાં નહી આવે તો દિવસે ને દિવસે આ પરિસ્થિતિ અતિ ગંભીર બનતી જશે અને મોરબીને બીજી હોનારતનો સામનો કરવાનો સમય આવશે.મોરબી વિસ્તારમાં મચ્છુ ૨ ડેમ બાજુએ થી લઇ ને જો વાત કરવામાં આવે તો સૌથી પહેલા લીલાપર પાસેનો વોંકળો આવે. ત્યારબાદ રવાપર ગામ પહેલા વિજય નગર પાસેનો વોંકળો આવે છે. ત્યારબાદ રવાપર ચોકડી પાસેથી નીકળતો રવાપર રોડને સમાંતર આવેલો વોંકળો આવે, જેમાં હીરાસરના મારગનું પાણી પણ આગળ જતા ભળે છે. ત્યારબાદ વરસો પહેલા જે રેલ્વેલાઈન હતી તેની બાજુમાં જે વોકળો શનાળા રોડને સમાંતર હતો જે હાલમાં દેખાતો નથી અને છેલ્લે ધુતારીનો વોકળો. આમ આ બધા વોકળામાંથી વરસાદના પાણીનો નિકાલ સરસ રીતે થતો હતો. પરંતુ કાળેક્રમે અને સ્વાર્થી લોકોના કારણે તેમજ તંત્ર દ્વારા આંખ આડા કાન કરવાની વૃતિ, ભ્રષ્ટાચાર અને અસામાજિક તત્વોનો ને મળેલો છૂટો દોર વગેરે કારણોસર આ બધી વ્યવસ્થા જે કુદરતી હતી તે નષ્ટ પામેલ છે.

આ ઉપરાંત સરકારી તંત્ર દ્વારા જે પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે. તે પોતાની ક્ષમતા મુજબ કામ કરતી નથી જેના કારણે આ પરિસ્થિતિએ અતિગંભીર રૂપ ધારણ કરેલ છે.તાજેતરમાં પાણીના નિકાલના અભાવે ઉદભવેલ પુર જેવી પરિસ્થિતિના કારણે આઠ આઠ અમુલ્ય માનવ જિંદગીઓ આનો ભોગ બનેલ છે એવું લોક મુખે સાંભળવામાં આવ્યું છે. આ ઉપરાંત ઘરમાં ઘરવખરી તેમજ અન્ય નુકશાન, લોકોના વાહનોને નુકશાન, ધંધામાં નુકશાન, રોડ-રસ્તાઓનું નુકશાન વગેરે પારાવાર નુકશાન થયેલ છે.આવી પરિસ્થિતિ ભવિષ્યમાં ના બને અને લોકોને આમાંથી છુટકારો મળે તે માટે યોગ્ય પગલાં ભરવાની માંગણી કરવામાં આવી છે. તેમજ મોરબીમાં વરસાદી પાણીના નિકાલની જગ્યાઓ પર થયેલ દબાણનું સર્વે દૂર કરવાની માંગ કરાઈ છે.

 

- text