રક્ષાબંધન : કબૂતર પ્રેમ થકી હિન્દૂ ભાઈને મળ્યો મુસ્લિમ બહેનનો પવિત્ર સ્નેહ

- text


પારિવારિક સબંધ બંધાયા બાદ મુસ્લિમ બહેનને હિન્દુભાઈને સગી બહેનની ખોટ સાલવા ન દીધી : ભાઈ બહેનનો પ્રવિત્ર સબંધ નાત, જાત અને ધર્મના વાડાઓ કરતા મુઠી ઉંચેરો હોવાનું પુરવાર

મોરબી : તમામ માનવીય સંબંધો કરતા ભાઈ બહેનના સ્નેહના સબંધને સૌથી વધુ પવિત્ર માનવામાં આવે છે. જોકે સગા ભાઈ બહેનની વચ્ચે તો જીવનભર પવિત્ર સંબંધ જળવાઈ રહે છે.પણ આપણે અહીં મોરબીના એક એવા ભાઈ બહેનની વાત કરવી છે જે ભિન્ન ભિન્ન ધર્મના છે.પણ તેમના વચ્ચે ભાઈ બહેનનો પવિત્ર સબંધ સગા ભાઈ બહેનથી પણ વિશેષ છે.આ હિન્દૂ મુસ્લિમ ભાઈ બહેન દ્રઢપણે માને છે કે , નાત.જાત,ધર્મ કરતા ભાઈ બહેનનો સબંધ મુઠી ઉચેરો છે.અને છેલ્લા બે વર્ષથી મુસ્લિમ બહેન આ હિન્દુભાઈને રાખડી બાંધીને બન્ને ધર્મના તહેવારોમાં પરસ્પર ભેટ સોંગદોની આપ-લે કરીને અતૂટ ભાઈચારાનો સંદેશ આપ્યો છે.

- text

મોરબીના જેલ રોડ પર આવેલ વણકર વાસ પાસે રહેતા અને મોરબી નગરપાલિકાના સેનીટેશન વિભાગમાં નોકરી કરતા ભુદરભાઈ રૂગનાથભાઈ મકવાણા (ઉ.વ.53)ને છેલ્લા બે વર્ષથી દર રક્ષાબંધનના પર્વએ મોરબીના મકરાણી વાસમાં રહેતા સલમાબેન મહેબૂબભાઈ મકરાણી (ઉ.વ.53) રાખડી બાંધે છે.આ ભિન્ન ભિન્ન ધર્મના બન્ને ભાઈ બહેન વચ્ચે પવિત્ર સ્નેહ બધાવામાં કબૂતર નિમિત્ત બન્યું છે.જેમાં બન્યું એવું હતું કે, ભુદરભાઈને કબૂતર પાળવાનો શોખ છે.આ જ રીતે સલમાબેનના પુત્રને પણ કબૂતર પાળવાનો શોખ છે.આ કબૂતર પ્રેમ થકી ભુદરભાઈ અને સલમાબેનનો પુત્ર અગાઉ પરિચયમાં આવ્યા બાદ બને વચ્ચે પાકી દોસ્તી થઈ ગઈ હતી.આ સબંધ થકી મિત્રને મળવા અવાર નવાર તેઓ સલમાબેનના ઘરે જતા હતા અને આ રીતે બન્ને પરિવારો વચ્ચે પારિવારિક સબંધ વધુ સુદ્રઢ બની ગયો હતો.તે દરમ્યાન સલમાંબેનને ખબર પડી હતી કે ભુદરભાઈને એકપણ સગી બહેન નથી.

આથી સલમાબહેને ભુદરભાઈને બહેનની ખોટ ક્યારેય ન સાલે તે માટે તેમને કહ્યું કે ધર્મ ભલે જુદા હોય પણ હું તમને મનથી સગા ભાઈ જ માનું છું અને આજથી તમે મારા ભાઈ છો અને એ સાથે તેમણે ભુદ્રભાઈને રાખડી બાંધી હતી. આ રીતે બન્ને ભિન્ન ભિન્ન ધર્મના ભાઈ બહેન વચ્ચે બે વર્ષ પહેલાં પવિત્ર સ્નેહનો સંબંધ બંધાયો હતો અને છેલ્લા બે વર્ષથી મુસ્લિમ બહેન આ હિન્દુભાઈને રાખડી બાંધે છે અને આ પવિત્ર સંબંધનું બન્ને ભાઈ બહેન ગૌરવભેર માન જાળવે છે.અને બન્ને ધર્મના તહેવારોની હળી મળીને ઉજવણી કરે છે.ઈદ હોય તો સલમાબેન પોતાના ભાઈને કપડાં સહિતની ભેટ સોંગદ આપે છે.સામે ભુદરભાઈ પણ વારે તહેવારે બહેનને ભેટ સોગંદ આપે છે.આજે રક્ષાબંધન પર્વ નિમિત્તે બન્ને ભાઈ બહેન કહે છે કે મજહબ નહિ શિખાતા બૈર રખના.. નાત.જાત અને ધર્મ કરતા ભાઈ બહેનનો પવિત્ર સબંધ મુઠી ઉંચેરો છે દરેક પોતાના ધર્મને નિભાવવાની સાથે આવા માનવીય પવિત્ર સંબંધ જાળવવો જોઈએ .

- text