મોરબી જિલ્લામાં 73માં સ્વતંત્રતા પર્વની શાનદાર ઉજવણી

- text


હળવદ ખાતે જિલ્લા કલેકટરના હસ્તે ધ્વજવંદન, સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા : મોરબીમાં અધિક કલેક્ટર કેતન જોશીના હસ્તે ધ્વજવંદન કરાયું :દરેક તાલુકાઓમાં રાષ્ટ્રીય પર્વને ધામધૂમથી ઉજવાયો

મોરબી : મોરબી જિલ્લામાં આજે 15મી ઓગસ્ટના રોજ 73માં સ્વાતંત્ર્ય પર્વની ગરિમા સભર ઉજવણી કરવામાં આવી હતી.જેમાં હળવદ ખાતે જિલ્લા કક્ષા અને મોરબીના રંગપર, ટંકારાના જબલપુર, માળિયાના મેધપર, વાંકાનેરના જોધપર ગામે તાલુકા કક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી કરાઈ હતી.આ ઉપરાંત મોરબીના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે અધિક કલેક્ટર કેતન જોશીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું જયારે જિ. પં.માં પ્રમુખ કિશોર ચીખલીયાના હસ્તે તથા તા.પં. તેમજ નગરપાલિકામાં પાલિકા પ્રમુખ કેતન વિલપરાના હસ્તે ધવજવંદન કરવામાં આવ્યું હતું. આ સાથે મોરબી જિલ્લાની વિવિધ શાળા કોલેજોમાં પણ ધ્વજ વંદન કરાયું હતું.

મોરબી જિલ્લાના હળવદમાં 15 ઓગસ્ટે જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ હતી. જેમાં જિલ્લા કલેકટર આર.જે.માકડીયા હસ્તે ધ્વજ વંદન થયુ હતું અને ત્રિરંગાને ગરિમા પૂર્વક સલામી આપ્યા બાદ દેશભક્તિને તરબોળ કરતા જુદાજુદા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાયા હતા. જ્યારે મોરબી તાલુકાના રંગપર ગામે ,વાંકાનેર તાલુકાના જોધપર ગામે, ટંકારાના જબલપુર ગામે અને માળીયા તાલુકાના મેધપર ગામે તાલુકા કક્ષાના સ્વતંત્રતા પર્વ ઉજવાયો હતો.

- text

મોરબીના પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં પણ સ્વતંત્રતા પર્વની ગરિમા સભર ઉજવણી કરાઈ હતી. જેમાં નિવાસી અધિક કલેકટર કેતન જોશીના હસ્તે ધ્વજ વંદન કરાયું હતું. અહીં મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજા, પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, જે.પી.જેસવાણી , જયરાજસિંહ જાડેજા, ભાવેશ કંજરીયા, મંજુલાબેન દેત્રોજા, રાધેભાઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ધ્વજવંદન બાદ શાળાઓના બાળકો દ્વારા દેશદાઝની ભાવનાને તાર્દશ કરાવતા જુદાજુદા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા.

ટંકારા તાલુકા કક્ષાના સ્વતંત્ર પર્વની ઉજવણી જબલપુર ગામે કરવામાં આવી હતી. જેમાં પ્રાંત અધિકારી અનિલ કુમાર ગૌસ્વામીએ રાષ્ટ્રધ્વજને સલામી આપી ધ્વજવંદન કર્યું હતું. ત્યાર બાદ જબલપુરની નવનાત યુકે પ્રાઇમરી સ્કુલ ખાતે મહિલા ફોજદાર એલ.બી.બગડા સહીત સ્ટાફે પરેડ યોજી હતી. તેમજ શાળાના છાત્રોએ જુદા જુદા નાટકો અને દેશ ના આઝાદી માટે પ્રાણ ન્યોછાવર કરનાર નરબંકાને યાદ કર્યા હતા. આ તકે મામલતદાર પંડયા તાલુકા વિકાસ અધિકારી નાગાજણ તણખલા, તાલુકા પંચાયતના મધુબેન અશોકભાઈ સંધાણી, ભુપત ગોધાણી સહિતના પદાધિકારીઓ ગામના સરપંચ કિશોરભાઈ, ભાજપના સંજય ભાગિયા, પ્રભુ કામરીયા, અમુભાઈ ફેફર સહિતના કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં ગામજનો હાજર રહ્યા હતા

આ ઉપરાંત મોરબી જિલ્લામાં વિવિધ શાળા કોલેજો, તમામ સરકારી ,અર્ધ સરકારી કચેરીઓ,જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત ,નગરપાલિકા અને વિવિધ સંસ્થાઓમાં ગરિમાસભર ધ્વજ વંદન કરાયુ હતું. એકંદરે 15 ઓગસ્ટ 73માં સ્વતંત્રતા પર્વની ઉજવણી દરમિયાન સમગ્ર મોરબી જિલ્લામાં દેશભક્તિનો માહોલ સર્જાયો હતો.

 

- text