ટંકારાના જાંબાઝ પોલીસકર્મી પૃથ્વીરાજસિંહ જાડેજાનું તેના ગામમાં ઉમળકાભેર સ્વાગત કરાયું

કોયલી ગામ દ્વારા પૃથ્વીરાજસિંહ જાડેજાનું સામૈયું કાઢી તેમનું સન્માન કરાયું

ટંકારા : ગત દિવસોમાં મોરબી જિલ્લામાં પડેલા અનરાધાર વરસાદ વચ્ચે ટંકારામાં એક પોલીસકર્મી બે બળાઓને ચારે બાજુ છાતી સમાણા પાણી વચ્ચે પોતાના ખભે બેસાડીને સુરક્ષિત સ્થળે લઇ જતા હોવાનો વિશેષ વિડિઓ અહેવાલ મોરબી અપડેટના ટંકારાના પ્રતિનિધિ જયેશ ભટ્ટસાણા દ્વારા રજુ કરાયો હતો. ટંકારાના પોલીસ જવાન પૃથ્વીરાજસિંહ જાડેજાની બચાવ કામગીરીમાં મોરબી અપડેટની ટિમ પણ જોડાઈ હતી. આ દરમિયાન પોલીસ જવાનોનો કામગીરીને મોરબી અપડેટના માધ્ય્મથી લોકો સમક્ષ ઉજાગર કરાઈ હતી. જેની સમગ્ર દેશે નોંધ લીધી હતી. અને ટંકારાના આ જાંબાઝ પોલીસકર્મી પૃથ્વીરાજસિંહ જાડેજાની કામગીરીને ઠેર ઠેર બિરદાવાઇ રહી છે ત્યારે આ પોલીસ કર્મચારી આજે તેના ગામે કોયલી પહોંચ્યા ત્યારે ગામ સમસ્ત દ્વારા તેનું સામૈયું કરીને હારતોરા કરી ધામધૂમથી સ્વાગત કરવામાં આવ્યું હતું.

ગત શુક્રવારે મોરબી જિલ્લામાં પડેલા અનરાધાર વરસાદમાં સર્વત્ર પાણી પાણી થઈ ગયું હતું ત્યારે ટંકારા વિસ્તારમાં કેડ સમા તો ક્યાંક છાતી સમા પાણી ભરાયા હતા. આવી પરિસ્થિતિ વચ્ચે ટંકારા તાલુકાના પો.સ્ટે.માં ફરજ બજાવતા પોલીસકર્મી પૃથ્વીરાજસિંહ જાડેજાએ બે બાળકીઓને પોતાના ખભા પર બેસાડીને સુરક્ષિત જગ્યાએ ખસેડતા હોય તેવા વિડીઓનું કવરેજ મોરબી અપડેટ દ્વારા કરી સમગ્ર દુનિયા સમક્ષ મુકવામાં આવ્યું હતું. જે વિડિઓ રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય મીડિયા અને સોશિયલ મીડિયામાં ખૂબ ચર્ચા જગાવી ગયો હતો. આ બચાવ કામગીરી દરમ્યાન પૃથ્વીરાજસિંહને ખુદને ઇજા પહોંચી હતી. એ ફોટા જોયા બાદ તેમના પરિવાર અને ગ્રામજનો પણ ચિંતાતુર બન્યા હતા. પણ સાથોસાથ ગામના યુવાન માટે તેઓ ગર્વ પણ અનુભવી રહ્યા હતા. ચાર-ચાર દિવસ સુધી પરિવારને મોં ન બતાવી શકનાર પૃથ્વીરાજસિંહ આજે ફરજ પુરી કરી પોતાના ગામ કોયલી (કૃષ્ણનગર) ખાતે પહોંચતા જ ગામ સમસ્તે એમને ધામધૂમથી સામૈયા કરી આવકાર્યા હતા. એમના પરિજનો અને મિત્રો સહિત ગામના આ જાંબાઝને આવકારવામાં હરખ સમાતો ન હતો. પૃથ્વીરાજસિંહે આ તકે સહુનો આભાર વ્યક્ત કર્યો હતો.