મોરબી જિલ્લામાં અતિવૃષ્ટિના અસરગ્રસ્તોને તાકીદે સહાય ચુકવવાની માંગ

જિલ્લા પંચાયતના કોંગ્રેસના સદસ્ય અને માળીયા શહેર કોંગ્રેસ સમિતિએ કલેકટરને રજુઆત કરી

મોરબી : મોરબી જિલ્લામાં 10 ઓગસ્ટના રોજ ભારે વરસાદ પડતાં જિલ્લામાં ભારે તારાજી થઈ હતી.જેમાં ખેતરો ધોવાઈ જતા તમામ પાક નિષફળ ગયો છે.તેમજ ડેમોના પાણી મોટી માત્રામાં છોડાતા પુર જેવી સ્થિતિ સર્જાતા 3 યુવાનો અને અનેક અબીલ પશુઓનો ભોગ લેવાયો હતો.તથા દુકાનો અને ઘરોમાં પાણી ઘુસી જતા વ્યાપક નુકશાની થઈ હતી.તેથી કોંગ્રેસે સ્થાનિક તંત્રને રજુઆત કરીને જિલ્લામાં થયેલી તારાજી અંગે તાકીદે સર્વે કરીને અસરગ્રસ્તો તાકીદે યોગ્ય સહાય આપવાની માંગ કરી છે.

મોરબી જિલ્લા પંચાયતના સદસ્ય અમુભાઈ હુબલએ જિલ્લા કલેકટરને રજુઆત કરી હતી કે , મોરબી જિલ્લામાં 10 ઓગસ્ટના રોજ ભારે વરસાદ પડ્યો હતો.જેમાં ડેમોના પાણી છોડાતા તથા અમુક તળાવો તૂટતા પુર જેવી સ્થિતિ સર્જાતા ભારે નુકશાની થઈ હતી.જ્યારે આમરણ ચોવીસીના ગામો કોયલી,ધૂળકોટ, ઝીઝોડા, બેલા આમરણ, પાડાબેકર, ફડસર, સોલંકી નગર, ઉટબેટ શામપર, રાજપર કું, રામગઢ, કૃષ્ણ નગર કો, ખોડા પીપળ, મોટી વાવડી, ગજડી સહિતના ગામોમાં ભારે વરસાદથી પુર આવતા ભારે તબાહી થઈ હતી.જેમાં ખેતરો,દુકાનો અને ઘરોમાં પાણી ફરી વળતા મોટી નુકશાની થઈ હતી અને 200થી વધુ અબોલ પશુઓ મોતને ભેટ્યા હતા.જોકે હજુ પાણી ભરાયેલા હોય અને કાદવ કીચડ હોય રોગચાળો ન ફેલાય તે માટે આરોગ્ય તંત્ર યોગ્ય કામગીરી કરે અને આ ગામોમાં થયેલી નુક્શાનીનો સર્વે કરીને તંત્ર અસરગ્રસ્તોને યોગ્ય સહાય ચૂકવે તેવી માંગ કરી છે.

માળીયા મી શહેર કોંગ્રેસ સમિતિએ મામલતદારને રજુઆત કરી હતી કે, 10 ઓગસ્ટના રોજ પડેલા ભારે વરસાદમાં માળીયા પંથકમાં મોટી આફત સર્જાઈ હતી.ઉપરવાસના ભારે વરસાદને કારણે મચ્છુ ડેમના દરવાજા ખોલતા અને નદી નાળા તથા ચેકડેમ, વોકળા બે કાંઠે વહેતા તેમજ અમુક તળાવ તૂટતા માળિયામાં પુર જેવી સ્થિતિ સર્જાઈ હતી અને લોકોના ઘરમાં પાણી ઘુસી જતા તેમજ ખેતરોને પાણીએ ધમરોળી નાખતા ભારે નુકશાની થઈ હતી.તેમજ માળીયા પંથકના ત્રણ યુવાનો અને અનેક અબોલ પશુઓ પાણીમાં તણાઈ જતા જીવ ગુમાવવા પડ્યા હતા.તેથી માળિયામાં થયેલી આ તમામ જાનમાલને થયેલી નુકશાનીનો સર્વે કરી તમામ અસરગ્રસ્તોને યોગ્ય સહાય ચુકવવાની માંગ કરી છે.