મયુર ડેરીએ પશુપાલકોને ફેટના ભાવમાં કિલોએ રૂ. 10નો વધારો આપ્યો

થાપણ ડિપોઝીટ ઉપર એક ટકા વ્યાજ વધાર્યું, ખોળની સબસીડીમાં રૂ. 50 વધાર્યા : સાધારણ સભામાં લેવાયા મહત્વના નિર્ણયો

મોરબી : મોરબીની મયુરડેરીની સાધારણસભા યોજાઈ હતી. જેમાં પશુપાલકો માટે ફેટના ભાવમાં કિલોએ રૂ. 10નો વધારો, થાપણ ડિપોઝીટ ઉપર એક ટકાનો વ્યાજ વધારો તેમજ ખોળની સબસીડીમાં રૂ. 50નો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

મોરબી મહિલા દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ સંચાલિત મયુર ડેરીની ગત શનિવારના રોજ સાધારણ સભા યોજાઈ હતી. જેમાં પ્રમુખ હંસાબેન વડાવીયા અને ઉપપ્રમુખ ચંદ્રિકાબેન કડીવાર સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં પશુપાલકો માટે મહત્વના અનેક ઠરાવો પસાર થયા હતા. જેને મંજૂરી મળી હતી.

બેઠકમાં પશુપાલકોને અગાઉ ફેટના એક કિલોએ રૂ. 690 ચૂકવાતા હતા. જેમા રૂ. 10નો વધારો કરીને 700 કરવામા આવ્યા છે. થાપણ ડિપોઝીટ ઉપર અગાઉ 6 ટકા વ્યાજ આપવામાં આવતું હતું. જે વધારીને 7 ટકા કરી આપવામા આવ્યું છે. ઉપરાંત રાજદાણ ખોળ ઉપર 50ની સબસીડી આપવામાં આવતી હતી. જે વધારીને 100 કરી આપવામાં આવી છે.