મોરબીના બેઠાપુલ નજીક જર્જરિત દીવાલનું ડીમોલેશન શરૂ

- text


રાતભર ડીમોલેશનની કામગીરી ચાલશે : ડે. કલેકટર સહિતના અધિકારીઓ અને પોલીસની હાજરી

મોરબી : મોરબીના બેઠાપુલ નજીક આવેલી જર્જરીત દીવાલને પાડવા માટે જિલ્લા કલેકટરે મંજૂરી આપતા આજે સાંજથી ડીમોલેશનની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ વેળાએ ડે. કલેકટર સહિતના અધિકારીઓ તેમજ પોલીસની પણ હાજરી રહી છે.

મોરબીના સામાકાંઠાના જોડતા બેઠાપુલ પર શહેર તરફ જવાના માર્ગ તરફના શક્તિ ચોકના નાકા પાસે આવેલ વર્ષો જૂની જર્જરિત હાલતમાં રહેલી દીવાલનો અમુક હિસ્સો તાજેતરમાં ધરાશાયી થયો હતો. ત્યારે સલામતીના ભાગરૂપે આ દીવાલને તોડી પાડવાનો નિર્ણય લેવાયો હતો. આ જર્જરિત દીવાલને અડીને પાછળ સાત આઠ મકાનો આવેલા છે.જેથી દીવાલ તોડી પડાઈ તો આ મકાનોને પણ મોટું નુકશાન પહોંચે તેમ છે

પાલિકા તંત્રએ આ આઠ મકાનોના માલિકોને વહેલી તકે મકાન ખાલી કરી દેવા નોટિસ પણ ફટકારી હતી. જો કે દિવાલના ડીમોલિશન માટે જિલ્લા કલેકટરની મંજૂરીની રાહ જોવાય રહી હતી. ત્યારે આજે જિલ્લા કલેકટરે પણ મંજૂરી આપી દેતા ડે. કલેકટર ખાચર, ચીફ ઓફિસર સાગર રાડીયા, મામલતદાર રૂપાપરા, એ ડિવિઝનના પીઆઇ ચૌધરી અને પાલિકા પ્રમુખ કેતન વિલપરાની હાજરીમાં સાંજે 5 વાગ્યાથી ડીમોલેશન શરૂ કરવામા આવ્યું છે.

- text

છેલ્લા બે દિવસથી બેઠાપુલનો રસ્તો બંધ કર્યો હોય મુખ્ય રોડ ઉપર ભારે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. આ અંગે ચિફ ઓફીસર સાગર રાડીયાએ કહ્યું કે આજે રાતભર કામ કરીને ડીમોલિશન પૂર્ણ કરી દેવામાં આવશે. બાદમાં કાલ સવારથી રસ્તાને ખુલ્લો કરી દેવામાં આવશે.

- text