મોરબી જિલ્લામા વરસાદને કારણે 79 રોડ ડેમેજ : 4 સજ્જડ બંધ

 બંધ રહેલા 3 રોડ કાલે બુધવારે સાંજ સુધીમાં શરૂ થઈ જાય તેવી સંભાવના

મોરબી : મોરબી જિલ્લામા ભારે વરસાદના કારણે ખૂબ તારાજી થઈ છે. જેમાં 79 રોડને ડેમેજ થયાનું જાણવા મળ્યું છે. ઉપરાંત ચાર રોડ બંધ થઈ ગયા છે. આ ચાર પૈકી ત્રણ રોડ આવતીકાલે સાંજ સુધીમાં શરૂ થઈ જાય તેવી સંભાવના હોવાનું જાણવા મળ્યું છે.

મોરબી જિલ્લામા ગત શુક્રવાર અને શનિવારના રોજ સાર્વત્રિક ભારે વરસાદ વરસ્યો હતો. જેના કારણે ભારે ખાના ખરાબી સર્જાઈ હતી. આ દરમિયાન અનેક રોડને પણ અસર પહોંચી છે. જો કે જળબંબાકાર જેવી સ્થિતિમાં સેંકડો રસ્તાઓ બંધ થઈ ગયા હતા. પરંતુ પાણી ઓસરતા અનેક રસ્તાઓ શરૂ થઈ ગયા હતા.

હાલ માગર મકાન અને પંચાયત વિભાગનો મોરબી તાલુકાનો બિલિયા- બગથળા, થારોલા-અમરાપર-નાગલપર, ટંકારા તાલુકાનો સ્ટેટ હાઇવે-બંગાવડી આ ત્રણ રોડ બંધ છે. જો કે આ ત્રણેય રોડ આવતીકાલે બુધવારે સાંજ સુધીમાં શરૂ થઈ જાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. ઉપરાંત વાંકાનેર તાલુકાનો ઝાલીડા- વસુંધરા રોડ પણ કોઝવે તૂટતા બંધ છે. આ રોડમાં ભરાયેલું પાણી ઉતરશે ત્યારબાદ તેનું રીપેરીંગ કામ હાથ ધરવામા આવશે.

વધુમાં જિલ્લાના કુલ 79 રોડ ભારે વરસાદને કારણે ડેમેજ થયા છે. જેમાં મોરબીના 11, ટંકારાના 10, વાંકાનેરના 8 , હળવદના 20 અને માળિયાના 30 રોડનો સમાવેશ થાય છે.