મોરબી જિલ્લામાંથી અલગ અલગ રેડમાં 37 જુગારીઓ 17.04 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા

મોરબી : પવિત્ર શ્રાવણ માસ દરમ્યાન જુગારીઓની જાણે મોસમ ખીલી હોય એમ મોરબી જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાંથી કુલ 7 જગ્યાએ રેડ કરી પોલીસે 37 જુગારીઓને રૂ.17,04570ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી જુગારધારાની કલમ હેઠળ કાર્યવાહી કરતા તમામની અટક કરી છે.

જિલ્લામાં અલગ-અલગ જગ્યાઓ પર ખાનગી જુગારના હાટડાઓ મંડાઈ ગયા હોય તેમ ખુલ્લેઆમ જુગાર રમાઈ રહ્યો છે. આ અન્વયે પોલીસ અધિક્ષક ડૉ. કરનરાજ વાઘેલાની સૂચનાથી તેમજ નાયબ પો. અધિક્ષક બન્નો જોશીના માર્ગદર્શન હેઠળ જુગારીઓ પર ઘોંસ બોલાવવાનું શરૂ કરતાં એક જ દિવસમાં 37 જુગારીઓ પોલીસની ઝપટે ચડી ગયા હતા.

જેમાં વિગતવાર જોઈએ તો, પહેલા બનાવમાં હળવદના ધૂળકોટ ગામ ખાતે મહેન્દ્રસિંહ ઉર્ફે મેદુભા ગનુભા જાડેજાના રહેણાંકમાં રેઇડ કરતા કુલ 7 ઈસમો જુગાર રમતા ઝડપાયા હતા. જેમાં મહેન્દ્રસિંહ ઉર્ફે મેદુભા જાડેજા (ઉં.વ.38), દેવજી કેશુભાઈ પટેલ (ઉં.વ.58), જગદીશ અવચર પટેલ (ઉં.વ.50), ચંદુ વિઠ્ઠલભાઈ પટેલ (ઉં.વ.58), ડાયાભાઈ રાઘવજીભાઈ પટેલ (ઉં.વ.54), નયન વજાભાઈ પટેલ (ઉં.વ.30), કાંતિ નાગજીભાઈ પટેલ (ઉં.વ.48)ને ઝડપી પાડી 1,53,000નો રોકડ મુદ્દામાલ કબ્જે કર્યો છે. હળવદના પો.ઇન્સ. એમ.આર.સોલંકીએ આ કાર્યવાહી કરી હતી.

જ્યારે વાંકાનેર શહેરમાં 3 અલગ અલગ જગ્યાએથી 15 જુગારીઓને ઝડપી પાડી રૂ. 9440ની રોકડ કબ્જે કરી છે. જેમાં પહેલી રેઇડ આરોગ્ય નગર, વિકાસ ઓઇલ મિલ પાછળ વાળી શેરીમાં જાહેરમાં જુગાર રમતા હર્ષદ ઓધવજી સોલંકી (ઉં.વ.53), પ્રવીણ પ્રેમજીભાઈ દેગામા (ઉં.વ.50), પિન્ટુ જગદીશભાઈ દેત્રોજા (ઉં.વ.28)ની જુગારધારા હેઠળ અટકાયત કરી છે. જ્યારે વાંકાનેરના બીજા બનાવમાં પ્રતાપ રોડ, પુજારા ટેલિકોમની બાજુમાં આવેલા ખંડેરમાંથી આસીફ ઇકબાલ માંકડીયા (ઉં.વ.21), હસન હનીફ કુરેશી (ઉં.વ.20), હસન ઇસ્માઇલ જીંદાણી (ઉં.વ.29), ઇકબાલ અશરફ ચૌહાણ (ઉં.વ.19), એજાજ ગુલાબભાઈ ચૌહાણ (ઉં.વ.19)ને 2630 રોકડા રૂપિયાના મુદ્દામાલ સાથે જાહેરમાં જુગાર રમતા ઝડપી પાડ્યા છે. વાંકાનેરમાં ત્રીજી રેઇડ દરમ્યાન મહાવીર સોસા. સામે, વડીયા વિસ્તારની ખુલ્લી જગ્યામાં રાત્રે લાઈટના અજવાળામાં જુગાર રમી રહેલા જીતેશ જીવાભાઈ રાઠોડ (ઉં.વ.25), અશ્વિન કાનજી વિજવાડિયા (ઉં.વ.37), નિલેશ કાનજી વિજવાડિયા (ઉં.વ. 33), વિનોદ નરશી દેગામા (ઉં.વ.40), કેશુ લાલજી સોલંકી (ઉં.વ. 63), શંકર કાનજી રાઠોડ (ઉં.વ.50), અતુલ જીવાભાઈ રાઠોડ (ઉં.વ.34)ને રોકડા રૂપિયા 4760ના મુદ્દામાલ સાથે જાહેરમાં જુગાર રમતા ઝડપી પાડ્યા છે.

મોરબી ખાતે જુગારની ત્રણ અલગ અલગ રેઇડ દરમ્યાન પહેલા બનાવમાં મોરબી કંડલા બાયપાસ રોડ સ્થિત ગણેશ ટ્રાન્સપોર્ટની ઓફિસમાંથી પાંચ ઈસમો કે જેમાં ટ્રાન્સપોર્ટ સંચાલક જાદવજી ખોડાભાઈ વડાવીયા, જીવણ ખીમાભાઈ, રાજેન્દ્રસિંહ ધીરુભા ઝાલા, ગિરધર ઠાકરશી બારૈયા અને દિનેશ કલાભાઈને રોકડા રૂપિયા 55,500 તથા બે ફોર વહિ્લ ગાડી, 5 મોબાઈલ તથા 1 મોટરસાયકલ કુલ કિંમત 13,34,000 તેમજ રોકડ સહિતની કુલ મુદ્દામાલ કિંમત 13,89, 500 સાથે ઝડપી પાડી જુગારધારાની કલમ હેઠળ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીના બીજા બનાવમાં રવાપર ધૂનડા રોડ સ્થિત સહજાનંદ એપાર્ટમેન્ટમાં રેઇડ કરી સાત ઇસમોને જુગાર રમતા ઝડપી પાડયા છે. જેમાં એપાર્ટમેન્ટ નંબર 601માં બહારથી માણસો એકઠા કરી જુગાર રમાડતા હસમુખ શાંતિલાલ દેસાઈ તેમજ ભરત નાગજી કલોલા, દિનેશ ભવાન કાનાણી, રજની વલ્લભભાઈ ચંદ્રાલા, કૈલાશ કરશન ચંદ્રાલા, દિનેશ રાઘવજી આંદ્રોજા, અમૃતલાલ મહાદેવભાઈને રોકડા રૂપિયા 1,32,500ના મુદ્દામાલ સાથે ઝડપીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

જ્યારે મોરબીની જ ત્રીજી જુગારની રેઇડ રવાપર ગૌતમ હોલની પાસે, શુભમ એપાર્ટમેન્ટની સામે સ્ટ્રીટ લાઈટના અજવાળે ત્રણ ઈસમોને જાહેરમાં જુગાર રમતા ઝડપી પાડ્યા હતા. જેમાં નરેન્દ્ર ઉર્ફે નરેશ ધનજી હુલાણી (ઉં.વ.38), ધર્મેન્દ્ર પ્રવીણભાઈ (ઉં.વ.21), અરજણ કાનજી કાસુન્દ્રા (ઉં.વ.55)ને રોકડા રૂપિયા 20130 સાથે જુગાર રમતા ઝડપી પાડ્યા હતા.